વાવાઝોડાનો સામનો કરવા અમદાવાદ વહીવટી તંત્ર ખડે પડે,4524 લોકોનું સ્થળાંતર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2021  |   1584

અમદાવાદ

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે. ૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવાયું છે તો જિલ્લાના ૪ તાલુકાના ૨૨૩ આશ્રય સ્થાનો આશ્રિતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લા વહવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેને ખાળવા માટે આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં આશ્રય સ્થાનો કાર્યરત કરાવવામાં આવ્યા છે.આ પૈકી ધોલેરા તાલુકામાં ૪૨, ધંધૂકામાં ૪૦,સાણંદમાં ૭૨, વિરમગામમાં ૪ અને ઘોળકા તાલુકામાં ૬૫ આશ્રય સ્થાન સ્થળાંતર કરાતા આશ્રિતો માટે કાર્યરત કરાવવામાં આવ્યું છે વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્તદરિયાકાંઠાના ૧૬ ગામો પૈકીના ૪૫૨૪ લોકોને સલામતીપૂર્વક ઉક્ત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાં ૨૯૨૪ પુરુષ, ૧૨૫૩ સ્ત્રી અને ૩૪૭ બાળકોનો સમાવેશ થાય છે.

આ તમામ સ્થળાંતર કરાયેલ લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ કરાવવામાં આવ્યા છે. આ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં વ્યક્તિને આશ્રિત કરવામાં આવે છે. જો આ ટેસ્ટીંગ દરમિયાન કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ પોઝીટીવ જણાઇ આવે તો તેવા વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવાની તજવીજ હાથ ધરાઇ છે.

૪૫૨૪ સ્થળાંતરિત કરાયેલ વ્યક્તિઓ પૈકી અત્યાર સુધીમાં એક પણ કોરોના સંક્રમિત જણાઇ આવેલ નથી. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાતા તમામ ગ્રામજનો, શ્રમિકો, બાળકો સહિતના લોકોને જમવાની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

તાઉ તે વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠા વિસ્તારના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં પોલીસ તંત્ર અને હવામાન વિભાગ દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી કાચા આવાસો અને ઝૂંપડીમાં રહેતા લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution