ડાયમંડ પાવરના સંચાલકોની વધુ રૂ. ૨૬ કરોડની મિલ્કત ઈડીએ ટાંચમાં લીધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જાન્યુઆરી 2022  |   1089


નવીદિલ્હી,તા.૪

બેંકો સાથે રૂ. ૨,૬૫૪ કરોડની છેતરપિંડી કરનારા વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફા. કંપનીના સંચાલકોની વધુ રૂ. ૨૬ કરોડની પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટએ સીઝ કરી લીધી છે. આ પ્રોપર્ટી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સીઝ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સંચાલકોની રૂ. ૧૧૨૮ કરોડની મિલકત કબ્જે લેવામાં આવી છે.

ઇડી દ્વારા જે પ્રોપર્ટી સીઝ કરવામાં આવી છે તેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને હેતુ માટે વપરાતી જમીનોનો સમાવેશ થાય છે જેની કિંમત રૂ. ૨૬.૨૫ કરોડ આંકવામાં આવી છે. આ અગાઉ ઇડી દ્વારા આરોપીઓની ૨૦૧૮માં ૧,૧૦૨.૭૨ કરોડની પ્રોપર્ટી સીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ કરતા વધુ સમય બાદ પહેલીવાર આરોપીઓની પ્રોપર્ટી સિઝ કરવામાં આવી છે.

બેંક ઓફ ઇન્ડિયાની આગેવાનીની ૧૯ બેંકના કોન્સોર્ટિયમને ડાયમંડ પાવર ઇન્ફ્રા.ના સંચાલકોએ રૂ. ૨,૬૫૪.૪ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. ૨૦૧૮માં જ ઇડીએ સીબીઆઇ એફઆઇઆર નોંધાવી હતી. ઇડીએ ૨૬ ડિસેમ્બરે, ૨૦૧૮ના રોજ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી, જે અમદાવાદની વિશેષ કોર્ટમાં પેન્ડિંગ છે.ઇડી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ડીપીઆઈએલ એ ૧૯ બેંકો અને સંસ્થાઓના ક્ધસોર્ટિયમ પાસેથી ટર્મ લોન/વર્કિંગ કેપિટલ લોન, એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ અને નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચરનો લાભ લીધો હતો.

ઇડીએ તપાસમાં જાણ્યું હતું કે ડીપીઆઈએલ બેંકો પાસેથી ઉચ્ચ ધિરાણ સુવિધાઓ મેળવવા માટે શેલ કંપનીઓ સાથે કાગળના વ્યવહારોનો ઉપયોગ કરે છે. ત્યારપછી તેણે નાણાકીય સંસ્થાઓના ક્ધસોર્ટિયમને રૂ. ૨,૬૫૪.૪ કરોડનું નુકસાન પહોંચાડતા તમામ ભંડોળને ડાયવર્ટ કર્યું.

ઇડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની ૧૯ બેંકોના ક્ધસોર્ટિયમને આ મોટું નુકસાન થયું હતું અને તેઓએ સીબીઆઈનો સંપર્ક કર્યો હતો,” ઇડીના અધિકારીએ જણાવ્યું હતું. બાદમાં અમે મની લોન્ડરિંગ અટકાવવાનો કેસ પણ નોંધ્યો હતો. ઇડીએ ૨૦૧૮માં આરોપીઓ સામે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી દીધી છે. અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી.ઇડી અધિકારીએ કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution