ગાંધીનગર, કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત ડૉ. મુરલી ક્રિષ્ના સેવા નિવૃત થયા છે. ડૉ. મુરલી ક્રિષ્ના સેવા નિવૃત્ત થતાં હવે તેમના સ્થાને રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદની નિમણુક કરવામાં આવી છે. અનુપમ આનંદ હાલમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. રાજ્યમાં આગામી વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અનુપમ આનંદના નેતૃત્વમાં યોજાશે.રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. જેને લઈને આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકેનો વધારાનો હવાલો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે. રાજ્યના નવા નિમાયેલા મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ મૂળ બિહારના પટણાના વતની છે અને તેઓ વર્ષ ૨૦૦૦ ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. અનુપમ આનંદ ભૂતકાળમાં સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, જામનગરમાં મ્યુનિ. કમિશનર તરીકે, ડાંગમાં જિલ્લા કલેકટર તરીકે સહિત અનેક સ્થળોએ ફરજ બજાવી ચૂક્યા છે.