18, મે 2025
ગાંધીનગર |
2376 |
અરજી કરવાની તારીખ ૨૧ મે સુધી લંબાવાઇ, ૨ લાખ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થયું
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી ૨૧ મે સુધી લંબાવાઈ છે. ૧૬ મે સુધીમાં ૨.૦૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસમાં ક્વિક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી જીકાસ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૨૫ માર્ચથી શરૂ થઈ ગઈ છે. સંપૂર્ણ ફોર્મ ફીલિંગ તથા ઓનલાઈન અરજીના વેરિફિકેશનની પ્રક્રિયાનો ૯ મેથી પ્રારંભ થઈ ગયો છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ ૧૯ મેના વિદ્યાર્થીઓને મળવાની હોવાથી તથા અસલ માર્કશીટ વિના વેરિફિકેશન નહિ થઈ શકે. જેના પગલે પ્રવેશના પ્રથમ તબક્કામાં ઓનલાઈન અરજી કરવાની સુવિધા ૨૧ મે સુધી લંબાવવામાં આવી છે. ૧૬ મે સુધીમાં કુલ ૨,૦૮,૯૮૧ વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
જેમાંથી કુલ ૧,૨૨,૬૧૯ વિદ્યાર્થીએ કોલેજ-પ્રોગ્રામની ચોઈસ કરી દીધી છે. જયારે કુલ ૧,૧૭,૯૯૯ વિદ્યાર્થીએ તેમની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે. સ્નાતક કક્ષાના અભ્યાસ ક્રમમાં પ્રવેશની કાર્યવાહી માટે યુનિવર્સિટી-કોલેજો દ્વારા ૧૦૦૦ જેટલા ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર અને વેરિફીકેશન સેન્ટર કાર્યરત છે. જેનો ૫૦૦૦૦ વિદ્યાર્થી-વાલી દ્વારા લાભ લેવાયો છે.