વલસાડ, ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ચરમસીમા પર છે.નવસારી જિલ્લામાં રોજ ૧૦૦થી વધુ કોરોના હકારાત્મક દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે જિલ્લાના સરકારી તબીબો પોતાને થતા અન્યાય માટે આંદોલનનું રણશીંગુ ફૂંકી રહ્યા છે જે કોરોના દર્દીઓ માટે ઘાતક શસ્ત્ર બનવાની સંભાવના છે- જાે સરકાર સવેળા પગલાં નહિ ભરે તો કોવિડ દરદીઓ સહિત અન્ય રોગો થી પીડાતા દરદીઓ એ આ આંદોલન ભોગ બનવો પડશે.

ટીક્કુ કમિશનની ભલામણો ગુજરાત સરકારે લાગુ નહીં કરતા સને ૨૦૦૫ પછી વર્ગ-૧-૨ની સેવા બજાવતા તબીબોના કે જેઓને જીપીએસસી પાસ કરવાનો નિયમ લાગુ થતા સને ૨૦૧૨માં પાસ કર્યા પછી તબીબ તરીકે જાેડાયેલા તે તારીખના બદલે જીપીએસસી પસાર કર્યા તે તારીખથી પગારધોરણ- ઇજાફો લાગુ કરતા હળાહળ આર્થિક અન્યાય થયેલ છે. સને ૨૦૦૯થી ફરજ બજાવતા તબીબોને ૨૦૧૨ પછી લાભ આપતા ત્રણ વર્ષની આર્થિક ખોટ જાય છે. સાતમા પગાર પંચનો અમલ સને ૨૦૧૬થી થયેલો છે પરંતુ તબીબો માટે ભાડા ભથ્થુ-નોન પ્રેક્ટિસ એલાઉન્સ વિ. લાભો છઠ્ઠા પગાર પંચના આધારે જ પાંચ વર્ષથી મળી રહ્યા છે જે પણ ભારે નાણાકીય અન્યાય છે. સરકાર પર્યાપ્ત જરૂરી તબીબોની નિમણુંક નહીં કરી અછત સર્જી હાલના તબીબોને માનસિક તાણમાં રાખે છે જેઓને છેલ્લા સવા વર્ષથી આરામ કરવાનો- રજા ભોગવવાનો લાભ મળ્યો નથી,સતત કોરોના મહામારીમાં કુટુંબ કબીલા માટે જાેખમી-વ્યસ્ત રહે છે. માંગણીઓ સરકારે નહીં ઉકેલતા- ઇન સર્વિસ ડૉક્ટર્સ ઍસો.એ આજે રાજ્યભરમાં આવેદનપત્રો આપી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. નવસારી જિલ્લા મથકે નિવાસી નાયબ કલેકટરને ડૉ.સર્વશ્રી ડેલીવાલા, પ્રગ્નેશ પરમાર, ધવલ મહેતા, સુરેશ પરમાર તથા જિલ્લા તબીબી અધિકારી ડૉ. દિલીપ ભાવસાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અલગ-અલગ ધોરણ બનાવી વધારો હડપ કરીને ટુકડે ટુકડે ટટળાવીને લાંબા સમયે આપી આવા આંદોલનો ઊભા કરે છે.