06, ઓક્ટોબર 2025
3663 |
નવી દિલ્હી, સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) બી.આર. ગવઈ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. સીજેઆઈના નેતૃત્વવાળી બેન્ચ વકીલો દ્વારા મામલાનો ઉલ્લેખ કરવા પર સુનાવણી કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ વકીલ મંચ પાસે ગયો અને પોતાનું જૂતું કાઢીને જજ પર ફેંકવાની કોશિશ કરી હતી. જાે કે કોર્ટમાં હાજર સુરક્ષાકર્મીઓએ સમયસર હસ્તક્ષેપ કર્યો અને વકીલને પકડી લીધો હતો. બહાર જતી વખતે વકીલ એ કહેતો સંભળાયો હતો કે સનાતનનું અપમાન સહન નહીં કરીએ. જાેકે, સીજેઆઇએ કોર્ટમાં હાજર વકીલોને પોતાની દલીલો ચાલુ રાખવા જણાવ્યું અને કહ્યું કે આ બધી વાતોથી વિચલિત ન થાઓ. આપણે વિચલિત નથી. આ બધી વાતો મને પ્રભાવિત કરતી નથી. સીજેઆઇ ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ કરનારા આરોપીને અટકમાં લેવાયો છે. આરોપી પોતે એક વકીલ છે. આરોપીનું નામ રાકેશ કિશોર છે. જૂતું ફેંકવાની કોશિશ પહેલા વકીલે બૂમો પાડતા કહ્યું કે સનાતનનું અપમાન નહીં ચાલે. સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ માહલા સાથે સુપ્રીમ કોર્ટ સિક્યુરિટીના ડીસીપી પણ ઘટનાસ્થળે હાજર હતા.
આ ઘટના પાછળ ચર્ચા છે કે કદાચ ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી માથું કપાયેલી મૂર્તિની પુર્નસ્થાપના સંલગ્ન એક મામલામાં મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીની અસર હોય શકે છે. જેમાં સીજેઆઈએ તે મામલાને ફગાવતા કહ્યું હતું કે જાઓ અને ભગવાનને જ કઈ કરવા માટે કહો. તમે કહેતા હોવ કે તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત હોવ તો જાઓ અને હાલ પ્રાર્થના કરો. આ એક પુરાતત્વ સ્થળ છે અને એએસઆઈએ મંજૂરી વગેરે આપવું પડશે. ત્યારબાદ આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો હતો અને અનેક લોકોએ મુખ્ય ન્યાયાધીશ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.