૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી રેલવે ટ્રેનમાંથી પણ મિસાઈલ લોન્ચ કરવા તખ્તો
26, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   5247   |  

રેલવે નેટવર્કનો લાભ સૈન્યને મળશે

ભારત હવે રેલવેના ઉપયોગથી મિસાઈલ લોન્ચિંગમાં નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી મિસાઈલનું પરિક્ષણ કે લોન્ચિંગ ખાસ સ્ટ્રેટજિક સ્થળોથી જ થતું હતું, પરંતુ હવે દેશના 75 હજાર કિલોમીટર લાંબા રેલવે નેટવર્કનો ઉપયોગ કરી શકાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. એટલે કે, ગમે ત્યાંથી અને ગમે ત્યારે મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા ભારત પાસે ઉપલબ્ધ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલ-આધારિત મોબાઈલ લોન્ચરને હવે એવી રીતે વિકસાવવામાં આવી રહ્યું છે કે તે સ્થિર ટ્રેક પર ઉભી ટ્રેનમાંથી જ નહીં, પરંતુ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાંથી પણ મિસાઈલ લોન્ચ કરી શકાય.હાલમાં જ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય સેનાએ બતાવ્યું હતું કે રેલવે પર આધારિત સિસ્ટમ કેટલી ઝડપી રીતે સંવેદનશીલ સામગ્રીને સ્ટ્રેટજિક લોકેશન સુધી પહોંચાડી શકે છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં રેલવે મારફતે જરૂરી સાધનો અને સિસ્ટમને દેશના દૂરસ્ત વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યા હતા. હવે એ જ નેટવર્ક મિસાઈલ લોન્ચિંગ પેડ તરીકે પણ સેવા આપી શકે છે.અગ્નિ પ્રાઈમ મિસાઈલને પણ ખાસ તૈયાર કરાયેલા રેલ મિસાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. આ લોન્ચર 25.4 મીટર લાંબું છે અને બ્રોડગેજ ટ્રેક પર સરળતાથી કામ કરી શકે છે. સૌથી અગત્યની વાત એ છે કે મિસાઈલને લઈને જતા આ ખાસ વેગન સેટેલાઈટ કે રડારની પકડમાં આવતો નથી, એટલે દુશ્મન દેશો માટે તેની હિલચાલને ટ્રેક કરવી અશક્ય સમાન છે. આ વેગનને સામાન્ય માલગાડી સાથે જોડી શકાય છે અને ગમે ત્યાં લઈ જવાઈ શકે છે, જેથી ગુપ્તતા જળવાઈ રહે.ભારતના આ નવા પ્રયાસને લઈને રક્ષા વિશેષજ્ઞો માને છે કે આ સિસ્ટમ ભારતની સ્ટ્રેટજિક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. રેલવે નેટવર્કનો લાભ લઈને મિસાઈલ સિસ્ટમ દેશના દરેક ખૂણેથી કાર્યરત થઈ શકે છે, જે ભારતને વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રોની કક્ષામાં વધુ સક્ષમ બનાવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution