28, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2673 |
ફેડ રિઝર્વના વ્યાજદર ઘટાડાની મોટી અસર
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ પણ વધીને ૧૨ વર્ષની ટોચે પહોંચ્યા
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવતા કિંમતી ધાતુઓમાં પુરબહાર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ તૂટતાં સોના અને ચાંદીમાં સતત અધધ ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શનિવારે સ્થાનિક બજારોમાં ચાંદીની કિંમતે એક નવો ઇતિહાસ રચ્યો છે.શનિવારે સ્થાનિક ઝવેરી બજારોમાં ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. ૫,૦૦૦નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ચાંદીનો ભાવ: ચાંદીનો ભાવ કિલો દીઠ ઝડપી ઉછળીને રૂ. ૧,૪૫,૦૦૦ પ્રતિ કિલોની રેકોર્ડ ટોચે બોલાયો હતો, જેનાથી ખેલાડીઓ અને વેપારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. મુંબઈમાં ચાંદીનો ભાવ જીએસટી વગર મુંબઈમાં ચાંદીના ભાવ રૂ. ૧,૩૮,૧૦૦ વાળા વધીને રૂ. ૧,૪૨,૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં પણ ચાંદીનો ભાવ ઔંશના ૪૫.૧૩થી ૪૭.૧૪ ડોલર વાળા વધીને ૪૬ ડોલરની સપાટી પાર કરી ૪૬.૬૨થી ૪૬.૬૩ ડોલર સુધી પહોંચ્યો હતો. ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ તેજીનો માહોલ યથાવત રહ્યો છે.
અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ. ૫૦૦ વધીને ૯૯૫ના ભાવ રૂ. ૧,૧૭,૯૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ. ૧,૧૮,૨૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોનાનો ભાવ ઔંશના ૩૭૫૧થી ૩૭૫૨ ડોલર વધીને ૩૭૮૨થી ૩૭૮૩ ડોલરની હાઈ બનાવી હતી, અને સપ્તાહના અંતે તે ૩૭૫૯થી ૩૭૬૦ ડોલર પર રહ્યો હતો. મુંબઈ બુલિયન બજારમાં ૯૯૯ના ભાવ જીએસટી વગર વધીને રૂ. ૧,૧૩,૮૫૦ રહ્યા હતા. (નોંધનીય છે કે, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊંચા રહે છે.)આ ઐતિહાસિક તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા લેવાયેલો નીતિવિષયક નિર્ણય છે અમેરિકામાં મોંઘવારી (Inflation) અપેક્ષિત લક્ષ્યાંક કરતાં વધુ નોંધાતા, ફેડ રિઝર્વે વ્યાજના દરોમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે.આ ઘટાડાના પગલે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૩૮ ટકા ઘટીને ૯૮.૧૮ પર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી ફરી વધી હતી.અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષા મુજબ આવતાં, હવે ઓક્ટોબર અને ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા છે, જેના કારણે કિંમતી ધાતુઓની તેજીને વધુ વેગ મળ્યો છે.આ તેજીના કારણે ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી જતાં દેશના ઝવેરીબજારોમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ પણ વધીને ૧૨ વર્ષની ટોચે પહોંચ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૩૯થી ૧૫૪૦ ડોલર વાળા વધીને ૧૫૮૦થી ૧૫૮૧ ડોલર રહ્યા હતા, જ્યારે પેલેડીયમના ભાવ વધીને ૧૨૬૫થી ૧૨૬૬ ડોલર રહ્યા હતા.