23, સપ્ટેમ્બર 2025
ન્યુયોર્ક |
2673 |
ટેરિફ વિવાદ વચ્ચે એસ. જયશંકર સાથે મુલાકાત, રૂબિયોએ ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપ્યું
ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયોની મુલાકાત ન્યુ યોર્કમાં થઈ હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વિઝા પર $100,000નો ટેક્સ લગાવવાની જાહેરાત કરી, જેના કારણે ભારતના IT ક્ષેત્રને મોટો ફટકો પડ્યો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર આ મુલાકાત થઈ હતી. રૂબિયોએ ભારત-અમેરિકાની ભાગીદારીને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવી હતી અને સંરક્ષણ, વેપાર, ઊર્જા, દવા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકા માટે ભારતનું સ્થાન ઘણું મહત્ત્વનું છે અને ઈન્ડો-પેસિફિક અને ક્વાડ ભાગીદારીમાં સાથે મળીને કામ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
એસ. જયશંકરે પણ આ વાતચીતને સકારાત્મક ગણાવી અને 'X' પર પોસ્ટ કર્યું, હતુ કે, અમારી વાતચીતમાં ઘણા દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમેરિકા સાથે સતત સંપર્કમાં રહેવું અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં પ્રગતિ કરવું મહત્ત્વનું છે. અમે સંપર્કમાં રહીશું.'
ટ્રમ્પ દ્વારા વિઝા ફીમાં અચાનક કરાયેલા વધારાની જાહેરાતને કારણે આ બેઠક પર અસર પડી હતી. ભારત એચ-1બી વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે. ગયા વર્ષે 71% વિઝા ભારતીય નાગરિકોને મળ્યા હતા, જ્યારે ચીનને 12%થી ઓછા વિઝા મળ્યા હતા.