23, સપ્ટેમ્બર 2025
કોલકત્તા |
2970 |
છ કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ થતાં જનજીવન ખોરવાયું
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આખી રાત થયેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, તેમજ વીજળીનો કરંટ લાગવાથી અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા છે. કોલકત્તામાં 6 કલાકમાં શહેરમાં 250 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે.
કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ થતાં રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. સિયાલદહ સ્ટેશન પાસે રેલવે લાઇન પર પાણી ભરાઈ જતાં સવારથી જ ટ્રેન સેવાઓ અટકી પડી છે. આ જળભરાવને કારણે ચક્રરેલની અપ અને ડાઉન લાઇન સેવાઓ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સિયાલદહની દક્ષિણ શાખા પર પણ ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ છે અને હાવડા ડિવિઝનના મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે વીજ કરંટ લાગવાથી પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળે છે.