23, સપ્ટેમ્બર 2025
ન્યુયોર્ક |
3564 |
ઈઝરાયલ અને અમેરિકાને ઝટકો
ફ્રાન્સના પ્રમુખ મૈક્રોંએ સોમવારે કહ્યું કે, ફ્રાન્સ સત્તાવાર રીતે પેલેસ્ટાઇનને માન્યતા આપે છે. આ પગલું ફ્રાન્સ અને સાઉદી અરબની અધ્યક્ષતામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દરમિયાન લેવામાં આવ્યું હતું, જેનો હેતું ઈઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદને ટૂ-નેશન સમાધાન માટે નવા સ્તરે સમર્થન અને પ્રોત્સાહન આપવાનો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હૉલમાં હાજર 140થી વધુ નેતાઓએ ફ્રાન્સના પ્રમુખ મેક્રોનની જાહેરાતનુ સ્વાગત કર્યુ હતુ. મેક્રોને કહ્યું કે, 'મધ્ય પૂર્વમાં અને ઈઝરાયલીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે શાંતિ માટે મારા દેશની ઐતિહાસિક પ્રતિબદ્ધતા અનુસાર, હું આજે જાહેર કરું છું કે ફ્રાન્સ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપે છે.'
જોકે, આ બેઠક અને પેલેસ્ટિનિયન રાજ્યની વિસ્તૃત માન્યતાનો જમીન પર કોઈ વાસ્તવિક પ્રભાવ પડવાની શક્યતા ઓછી છે, જ્યાં ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં વધુ એક મોટું આક્રમણ કરી રહ્યું છે અને કબજા હેઠળના પશ્ચિમ કાંઠે વસાહતોનો વિસ્તાર કરી રહ્યો છે. મેક્રોને બેઠકની શરૂઆતમાં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની જાહેરાત કરી, જ્યાં ઘણા વિશ્વ નેતાઓ બોલે તેવી અપેક્ષા હતી.
બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે રવિવારે પેલેસ્ટાઇનને માન્યતા આપી, અને પેલેસ્ટાઇનીઓને આશા છે કે આગામી દિવસોમાં કુલ 10 દેશો આવું કરશે. 193 સભ્યોવાળા સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપે છે, પરંતુ મુખ્ય પશ્ચિમી દેશોએ હાલ આ માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે, તેમનું કહેવું છે કે, આ ફક્ત ઈઝરાયલ સાથે વાટાઘાટો દ્વારા જ શક્ય છે.