04, ઓક્ટોબર 2025
નવી દિલ્હી |
5544 |
લોકેશન, ઈમરજન્સી હેલ્પલાઇન નંબર સહિતની માહિતી સરળતાથી મળશે
નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં નેશનલ હાઇવે પર ક્યુઆર કોડવાળા પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન સાઇનબોર્ડ લગાવવાની જાહેરાત કરી છે. આ નવી પહેલથી હાઇવે પરથી પસાર થનારા અનેક લોકોને મોટી રાહત મળશે. તેઓ QR કોડ દ્વારા લોકેશન, ઈમરજન્સી હેલ્પલાઇન નંબર સહિતની માહિતી સરળતાથી મેળવી શકશે.
હાઈવે ઓથોરિટીના જણાવ્યા મુજબ, વર્ટિકલ QR કોડ સાઇનબોર્ડને સ્કેન કરવાથી યાત્રીઓને હાઇવે સંબંધિત મહત્ત્વપૂર્ણ અને સ્થાનિક માહિતી તુરંત મેળવી શકશે. આ માહિતીમાં મુખ્યત્વે હાઇવેનો નંબર, હાઇવેની બીજીતરફ લોકેશન, હાઇવે પેટ્રોલનો સંપર્ક નંબર, ટોલ મેનેજર અને રેસિડેન્ટ એન્જિનિયરનો નંબર તેમજ ઈમરજન્સી હેલ્પલાઇન નંબર 1033નો સમાવેશ થાય છે.
સાઇનબોર્ડ હાઇવે પર એવી જગ્યા લગાવાશે, જ્યાં મુસાફરોને સૌથી વધુ જરૂર હોય. એનએચએઆઇના જણાવ્યા અનુસાર બોર્ડ ટોલ પ્લાઝા, ટ્રક લે-બાય એરિયા, વે-સાઇડ સુવિધાઓ અને હાઇવેની શરુઆત અને અંત જેવી મહત્ત્વની જગ્યાઓ પર લગાવાશે.