02, ઓક્ટોબર 2025
મુંબઈ |
6831 |
દારૂ વેચતી દુકાનો સિવાયનીદુકાનો અને વ્યવસાયો 24 કલાક ખુલ્લા રહી શકે છે
મહારાષ્ટ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યની બધી દુકાનો અને સંસ્થાઓને 24 કલાક સંચાલિત રાખવાની મંજૂરી આપી છે. જો કે, આ મુક્તિ એવા સંસ્થાઓને લાગુ પડતી નથી જે દારૂ વેચે છે અથવા પીરસતી હોય છે, જેમાં પરમિટ રૂમ, બીયર બાર અને વાઈન શોપ. ઉદ્યોગ, ઉર્જા, શ્રમ અને ખાણ વિભાગે આ નિર્ણયને અમલમાં મૂકવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.
મળતી વિગતો મુજબ મહારાષ્ટ્ર સરકારના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં દારૂ વેચતી દુકાનો સિવાય મોટાભાગની દુકાનો અને વ્યવસાયો હવે 24 કલાક ખુલ્લા રહી શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વ્યવસાયોને 24/7 કાર્યરત થવાથી રોકી રહી હોવાની અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
નવા નિયમ હેઠળ 24 કલાક કાર્યરત સંસ્થાઓ માટે એક મુખ્ય આવશ્યકતા એ છે કે દરેક કર્મચારીને દર અઠવાડિયે 24 કલાક સતત આરામ આપવો આવશ્યક છે. આ નિયમ મહારાષ્ટ્ર દુકાનો અને સ્થાપના અધિનિયમ 2017 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આ નિયમનો યોગ્ય અમલ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગોને પણ સૂચિત કર્યા છે.
અગાઉ થિયેટરો અને સિનેમાઘરોને પણ એવા વ્યવસાયોની યાદીમાં સામેલ કરવામાં આવતા હતા, જેમના કાર્યકારી કલાકો નિયંત્રિત હતા, પરંતુ હવે તેમને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી આ ક્ષેત્રોમાં પણ વ્યવસાયિક પ્રવૃત્તિને વેગ મળવાની અપેક્ષા છે.