02, ઓક્ટોબર 2025
નવી દિલ્હી |
6831 |
સપ્ટેમ્બરનું કલેક્શન ઓગસ્ટ કરતા 1.5 ટકા વધારે
સપ્ટેમ્બર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૯.૧ ટકા વધીને ૧.૮૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના ઘટાડેલા દરો અમલમાં આવ્યા છે. સપ્ટેમ્બરનું જીએસટી કલેક્શન ઓગસ્ટ કરતા ૧.૫ ટકા વધારે છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં જીએસટી કલેક્શન ૧.૭૩ લાખ કરોડ રૂપિયા હતું. ગયા મહિને ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ૧.૮૬ લાખ કરોડ રૂપિયા છે.
જીએસટી દર ઘટવાને કારણે જીવન જરૃરી વસ્તુઓથી લઇને ઇલેક્ટ્રોનિક્સ તથા દવાઓથી લઇને ઓટોમોબાઇલ સહિત ૩૭૫ વસ્તુઓ સસ્તી થઇ છે. જીએસટી દર ઘટવાને કારણે સપ્ટેમ્બરમાં વસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો છે.સપ્ટેમ્બરમાં ગ્રોસ ડોમેસ્ટિક રેવન્યુ ૬.૮ ટકા વધીને ૧.૩૬ લાખ કરોડ રહી છે. જ્યારે આયાત પરનો ટેક્સ ૧૫.૬ ટકા વધીને ૫૨,૪૯૨ કરોડ રૂપિયા રહ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં માસિક સરેરાશ જીએસટી કલેક્શન બે લાખ કરોડ રૂપિયાથી સહેજ ઓછું રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં માસિક સરેરાશ જીએસટી કલેક્શન ૧.૮૦ લાખ કરોડ રૂપિયા હતું.