નડિયાદ : આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવશે. તહેવાર દરમિ‍યાન પતંગ રસિકો મોટી સંખ્‍યામાં પતંગ ચગાવી આનંદ મેળવતાં હોય છે. ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરી - તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી - તુક્કલ ખરીદવા અને વેચાણ કરવું બંને ગુનો ગણાશે. આવું કરતાં કોઈ પકડાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં ચાઇનીઝ દોરા તરીકે પ્રખ્‍યાત ચાઇનીઝ માંઝા, પ્‍લાસ્ટિક, સિન્થેટિક મટિરિયલની બનાવટની દોરી તથા પતંગો માનવજીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારૂપ છે. પ્‍લાસ્ટિક, સિન્થેટિક વસ્‍તુની બનાવટની પાકી દોરીથી ઘણીવાર માણસો અને પક્ષીઓને પ્રાણઘાતક ઇજાઓ થાય છે પ્‍લાસ્ટિક, સિન્થેટિક વસ્‍તુથી બનતી દોરી કે પતંગ લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી. પરિણામે ગટરો અને ડ્રેનેજ જામ થાય છે. ગાય તથા અન્‍ય પ્રાણીના ખોરાકમાં પેટમાં વસ્‍તુ જવાથી પ્રાણીઓ આફરો અને ગભરામણના લીધે મરણ પામે છે. તદ્દુપરાંત વીજલાઇન અને સબ સ્‍ટેશનમાં આ દોરી અને પતંગ ભરાવાના કારણે ફોલ્‍ટ પણ થાય છે. જેનાંથી જનતાને હાલાકી ભોગવવી પડે છે. છેલ્‍લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણ તથા અન્‍ય તહેવારો દરમિયાન સ્‍કાય લેન્‍ટર્ન (ચાઇનીસ તુક્કલ) ઉડાડવાની પ્રથા શરૂ થયેલી છે. લોકો દ્વારા હજારો સ્‍કાય લેન્‍ડર્ન રાત્રી દરમિયાન ઉડાડવામાં આવે છે. આ સ્‍કાય લેન્‍ડર્ન કોઇ વસ્‍તુ સાથે અથડાય છે ત્યારેઆગ લાગવાના બનાવો બનતા હોય છે.

ખેડા જિલ્લાનાન અધિક જિલ્લા મેજિસ્ટેટ રમેશ મેરજાએ કાયદાની લાગું પડતી જાેગવાઇઓને અનુલક્ષીને સમગ્ર ખેડા જિલ્‍લાના વિસ્‍તારમાં ચાઇનીઝ દોરા તરીકે ચાઇનીઝ માંઝા, પ્‍લાસ્ટિક, સિન્થેટિક પાકા દોરાનો વપરાશ કરવો કે કરાવવો, ચાઇનીઝ દોરાનો જથ્‍થાબંધ વેપાર કરવો કે કરાવવો તથા તેની ખરીદી કે વેચાણ કરવું કે કરાવવું, ચાઇનીઝ તુક્કલની આયાત ખરીદ વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સ્‍કાય લેન્‍ટર્ન ઉપર મોટા ભાગે Biodegradabel લખેલું છે, પરંતુ આ પ્રકારના સ્‍કાય લેન્‍ટર્ન સસ્‍તા કાગળમાંથી બનેલાં હોય છે. સસ્‍તા મીણના ચોસલા તેમાં બળતણ તરીકે વપરાય છે. જે Biodegradabel નથી. આવી સ્‍કાય લેન્‍ટર્નની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર કસૂરવાર ઇસમો સામે સબંધિત તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યૂટિવ મેજિસ્‍ટ્રેટને ધોરણસરની ફરિયાદ દાખલ કરવા અધિકૃત ગણાશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.