ભરૂચ-

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરવામાં આવી છે. દુષ્યંત પટેલના નામ અને ફોટોનો ઉપયોગ કરી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવાયું છે. ફ્રેન્ડ લિસ્ટમાંના લોકોને મેસેજ કરી હજારો રૂપિયાની મદદના નામે માંગણી કરતાં ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરી અને તેનો દૂર ઉપયોગ કરવાના ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સાથે પણ આ રીતની ઠગાઇ થઈ છે. દુષ્યંતભાઈ પટેલના નામે કોઈ જ અજાણ્યા ઈસમ દ્વારા ભરૂચ એમએલએ દુષ્યંતભાઈ પટેલના નામે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવામાં આવ્યું હતું અને તે એકાઉન્ટ પરથી અસલ એકાઉન્ટના લોકોને મેસેજ કરી અને હજારો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. દુષ્યંત પટેલના ફેક એકાઉન્ટ પર નરેન્દ્ર મોદી સાથેનો ફોટોને મૂકવામાં આવ્યો હતો. જેથી લોકોને એકાઉન્ટ સાચું છે તેવો ભાસ થાય અને લોકો તેઓને પૈસા ટ્રાન્સફર કરી શકે. પરંતુ આ વાતની જાણ દુષ્યંત પટેલને થતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.