પતિ-પત્ની વચ્ચેની ગેપ સંભાળ, સહકાર અને સાયુજ્યથી ભરી દેવી

લેખકઃ નીતા સોજીત્રા | 

આપણી સમાજવ્યવસ્થામાં લગ્નપ્રથા એ સૌથી મહત્વની અને સૌથી જટિલ વ્યવસ્થા છે. એક દીકરી પોતાની ૨૫- ૨૬ વર્ષની જિંદગી દરમ્યાનના સમયમાં એની જિંદગીની તમામ સુખસગવડ, સંબંધો, સપનાં અને બધી જ મહત્વકાંક્ષાઓ તેના હૃદયની પટારીમાં બંધ કરીને પોતાનું સપનું એક સંબંધ પર ન્યોછાવર કરીને હંમેશા માટે નવા ઘરમાં નવા નામ સાથે નવા હોદ્દા સાથે ભળી જવા પૂરતી કોશિશ કરે છે.

લગ્નગ્રંથિથી જાેડાતા બંને પાત્રોએે પોતાના જીવનમાં એના માતા-પિતા અને અન્ય વડીલોને પતિ-પત્નીના સંબંધમાં જાેયા જ હોય છે. એકબીજાને મદદરૂપ થવું, એકબીજાની સંભાળ લેવી અને એની સહકાર આપવો એ બંને પાત્રોની ફરજ છે. દુનિયાનો આ એક જ સંબંધ એવો હોય છે કે જેમાં પતિ-પત્ની વચ્ચે કોઈ જ આડશ નથી હોતી યા કહો કે કોઈ જ પડદો ન હોવો જાેઈએ. પતિ-પત્ની વચ્ચે જે થોડી પણ જગ્યા બચતી હોય છે એ જગ્યાને એકબીજાની સંભાળ સહકાર અને એકબીજાના સહયોગથી ભરવાની પૂરી કોશિશ કરવી જાેઈએ એ બંને પાત્રોની પોતાની ફરજ છે. જાેકે આમાં પરિવારનો પણ એટલો જ સાથ-સહકાર જરૂરી છે.

લગ્ન કરીને આવતી પુત્રવધુ પતિના અને પરિવારના અન્ય સભ્યોના શોખ, જરૂરત અને પસંદગીથી અજાણ હોય છે એવા સમયે પરિવારના સભ્યોએ એને મદદ કરવાની હોય છે. પોતાના અને એના પતિના શોખ, આદત અને જરૂરિયાત વિશે એને માહિતગાર કરવાની હોય છે. એવી જ રીતે પતિની પણ ફરજ છે કે તે પોતાની પત્ની સાથે વધારે સમય વિતાવે અને એની આદતો, જરૂરતો શોખ અને સપનાઓ વિશે જાણે.

હવે તો એક નવો ટ્રેન્ડ ચાલે છે લગ્ન પહેલા યુવક-યુવતીની પસંદગી માત્ર એક મુલાકાત અને વડીલોની પસંદગીથી નથી થતી. હવે યુવક અને યુવતી બંને એકબીજા સાથે વધારે સમય વાતો કરે છે, એકબીજાની પસંદ-નાપસંદ શોખ, સપનાઓ, મહત્વકાંક્ષા, પરિવાર, ભવિષ્ય, અને આર્થિક સ્થિતિ આ બધા જ પાસા પર પૂરતી વાતો કરે છે. એકબીજાના વિચારોની આપ-લે કરે છે અને એ બધા પછી જાે એવું લાગે કે બંને પાત્રો લગ્નગ્રંથિથી જાેડવા માટેની તમામ લાયકાત ધરાવે છે તો જ તેઓ આ સંબંધ માટે સંમતિ આપે છે.

બંને પાત્રો એકબીજાને પસંદ કરે અને સગાઈ થાય એ પછી અવારનવાર મુલાકાત કરે, વાતો કરે, એકબીજાના પરિવારમાં આવનજાવન કરે એ આજના સમયમાં સામાન્ય ગણાય છે. આનાથી એક ફાયદો એ થાય છે કે લગ્ન પહેલા જ યુવક અને યુવતી એકબીજાના પરિવાર અને સાથોસાથ એકબીજાથી સંપૂર્ણ માહિતગાર થઇ જતા હોય છે, આ કારણસર બંનેએ એડજસ્ટ કરવામાં પણ તકલીફ પડતી નથી. ઘરમાં વડીલો હોય કે બાળકો હોય એ બધા જ નિશ્ચિત સમયે સાથ છોડી દેવાના, પરંતુ પતિ-પત્નીનો આજીવન સાથ હોય છે અને એટલા માટે જ બંનેએ એકબીજાની કાળજી રાખવી જાેઈએ. એક વસ્તુ એ પણ જાેવામાં આવી છે કે પતિ હંમેશા પત્ની પર આધારિત હોય છે. પોતાની રોજિંદી જરૂરિયાતોથી લઈને એનું કામ, એની દવાઓ કે મુસાફરી દરમ્યાન પોતાનો સામાન પેક કરવાનો હોય તોપણ એ પત્ની પર અવલંબિત હોય છે પુરૂષને ક્યારેય પત્ની વગરના જીવનની કલ્પના જ નથી હોતી. કારણકે બાળપણથી તેનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે પુરુષને દરેક વસ્તુ સ્ત્રી દ્વારા તૈયાર જ મળતી હોય છે. પોતાની કોઈ પણ જરૂરિયાત માટે કમાવા સિવાય પોતે કશું કરવાનું હોતું નથી. અને આ કારણસર પુરુષ પોતાની નાની નાની વાતો માટે પત્ની પર આધારિત હોય છે આવા સમયમાં પત્નીની ફરજ બને છે કે પતિની યોગ્ય સંભાળ લે.

લગ્ન એ બે વ્યક્તિનું, બે પરિવારનું અને એ પછી બે આત્માનું મિલન છે. બંનેએ એકબીજાને પૂરતો સહકાર આપવો જાેઈએ. આ એક એવો સંબંધ છે કે જેમાં બંને આજીવન વિદ્યાર્થી હોય છે. એક સમય એવો હતો કે જ્યારે પતિ સર્વેસર્વા કહેવાતો. પતિ એટલે પરમેશ્વર એવું માનવામાં આવતું અને પતિનો પડ્યો બોલ ઝીલવો એ પત્નીની ફરજ હતી. પરિવારને પુત્રવધુએ કશું પૂછવાનું કે પરિવાર એને કશું કહે એવો આગ્રહ ક્યારેય રાખવાનો જ નહોય. પતિ પણ પત્નીને ત્યારે એટલું મહત્વ ન આપતા. પરંતુ હવે સમય બદલાયો છે. હવે પત્ની પણ અધિકારપૂર્વક સહકાર માંગે છે. પતિ-પત્નીએ સહકાર માંગવા કે આપવાની બાબતમાં ક્યારેય અહમનો ટકરાવ ન કરવો. કેટલીક વખત જે હિંમત, જે સહકારની ભાવના અને જે આવડત પત્નીમાં હોય છે એ પતિમાં નથી હોતી. એવા સમયે પત્નીની વાત અને તેના વિચારને અને તેના આયોજન સાંભળવા, સમજવા, સ્વીકારવા અને સહકાર આપવો એ પતિની ફરજ છે. પત્ની આમ પણ આ બધું પોતાના પતિ અને પરિવારના હિતમાં જ કરતી હોય છે. માટે બંને એકબીજાને એકબીજાના કાર્યમાં, એની ફરજ અને જવાબદારીમાં સહકાર આપે, સાથ આપે અને હિંમત આપે તો બંને સાથે મળીને સુખી દાંપત્યજીવનનું નિર્માણ કરી શકે છે.

  છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા પ્રસંગોમાં કેટલીક એવી રમતોના આયોજન થાય છે કે જેમાં પતિ-પત્ની એકબીજાને કેટલા સમજે છે, કેટલા ઓળખે છે એનું માપ નીકળતું હોય છે અને બંને વચ્ચે કેટલું સાયુજ્ય છે એનો ટેસ્ટ લેવાતો હોય છે. એકસાથે રહેતા પતિ-પત્ની પણ ઘણી વાર એકબીજાને બિલકુલ નથી ઓળખતા હોતા, જાેકે આમાં મોટાભાગે પત્નિ પતિને સંપૂર્ણ ઓળખતી હોય છે પરંતુ પતિને પત્નીના પસંદગીના રંગ, પસંદગીનો ખોરાક કે પસંદગીના વસ્તુઓની પણ ખબર નથી પડતી.જેની સાથે તમે આખી જિંદગી વિતાવો છો એની પસંદ-નાપસંદ જાણવા માટે પણ જાે તમે તૈયાર ન હો તો લગ્નજીવન આજીવન પૂંછડી વગરના પતંગ માફક ગોથા ખાતું રહે છે. લગ્નજીવનનો એક બહુ મોટો તબક્કો સાથે પસાર કર્યા બાદ મોટાભાગના પતિ-પત્નીમાં એવું જાેવા મળતું હોય છે કે બંને વચ્ચે વિચારોનું ગજબ સામ્ય જાેવા મળતું હોય છે. આનું એક કારણ એવું પણ હોઈ શકે વર્ષોથી પતિ-પત્ની અમુક સંજાેગોમાં બંનેના અમુક વિચારોને જાણતા થઈ ગયા હોય છે. એ કારણસર કોઈ ચોક્કસ સિચ્યુએશનમાં એકબીજાની ગેરહાજરીમાં પણ એકબીજા વતી ર્નિણયો લેતા હોય છે અને મોટાભાગે બંનેના ર્નિણય એકબીજાને તદ્દન મળતા હોય છે. આ સાયુજ્ય લગ્નજીવનની શરૂઆતથી નથી આવતું હતું એના માટે એકબીજાને સમજવા પડે છે, સ્વીકારવા પડે છે, સહકાર આપવો પડે છે અને દિલથી એકબીજાને વાંચવા પડે છે. એ બધું કર્યા પછી એક સાથે લાંબો સમય પસાર કર્યા બાદ બંને વચ્ચે સાયુજ્ય સધાય છે ત્યારે ભાગ્યે જ કોઈ લગ્ન ભંગાણના આરે આવે છે. કોશિશ કાયમ એવી કરવી જાેઈએ કે પતિ-પત્ની સહજીવનના બહુ ટૂંકાગાળામાં બંને વચ્ચે આ સાયુજ્ય સાધી શકે.

લગ્નજીવન કુદરતની મોસમ જેવું છે. એમાં તડકો,છાંયો,વરસાદ,પાનખર,ભરતી અને ઓટ આ બધું જ આવે છે પરંતુ જે પતિ-પત્ની વચ્ચે સમજણ, સહકાર અને સાયુજ્ય હોય છે એ પતિ પત્ની ગમે તેવી મુશ્કેલીનો પણ અડગ રીતે સામનો કરી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution