22, જુન 2025
1881 |
સુરત, ખોટા નામ ધારણ કરીને અલગ-અલગ મિલકતોનાં ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી ૩.૬૭ કરોડનું કૌભાંડ કરી દુબઈ ભાગી ગયેલા બંટી જૈનને પ્રત્યાર્પણ સંધિનાં પરિણામે પરત લાવી ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે પ્રાપ્ત વિગતો અનુસાર ભાઠામાં ગ્રીન સીટી પાસે કિંગ્સટન એપાર્ટમેન્ટમાં રહેતા ઉપવન ઉર્ફે બંટી જૈનએ જ્ઞાનચંદ બજરંગલાલ જૈનનો સંપર્ક કર્યો હતો. બંટીએ તેમને એવું કહ્યું હતું કે, પોતાની પાસે કેટલીક મોકાની પ્રોપર્ટી છે. જે માર્કેટ કરતાં સસ્તા ભાવે વેચવાની છે. ટૂંક સમયમાં જ આ પ્રોપર્ટીનો ભાવ વધી જાય એમ હોય એ ખરીદીમાં તમને ઘણો લાભ થશે. બંટીએ (૧) ઓફીસ નં.એસ/૬ વી.આઈ.પી. પ્લાઝા (૨) ફલેટ નં.એ/૧૦, રીવર પેલેસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ (૩) ફલેટ નં.બી/૫૦૨, ધી લેજન્ટ બિલ્ડીંગ, પ્રાઇમ શોપર્સ, રી-બાઉંસની પાછળ યુનિવર્સીટી રોડ સુરત (૪) ફલેટ નં.૩/સી, કેસલ બ્રાઉન, ઉધના મગદલ્લા રોડ સુરત વાળી મિલકત જ્ઞાનચંદને બતાવી હતી. તેમણે પ્રોપર્ટી પસંદ આવતાં તેમણે સોદો કર્યો અને ૩,૬૬,૭૩,૦૦૦ રૂપિયા અવેજ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. જો કે પાછળથી તેમને ખબર પડી કે, આ તમામ મિલકતના માલિક તરીકે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બંટી અને તેના સાગરિતોએ બોગસ દસ્તાવેજ કરી આપી પૈસા પડાવી લીધા છે. એક શોપ અને ત્રણ ફ્લેટનાં કુલ ૮ બોગસ દસ્તાવેજો બનાવી આપી ૩.૬૭ કરોડનું ચીટિંગ કરનારા બંટી અને તેના સાગરિતો સામે જ્ઞાનચંદ જૈનએ ફરિયાદ નોંધાવી હતી. મિલકત માલિક તરીકે ખોટી ઓળખ આપનારાઓએ ઓળખનાં પુરાવા તરીકે બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ વિગેરે બનાવી તેના આધારે પહેલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ મિલકતનો ખોટો દસ્તાવેજ બનાવી સામે અવેજ પેટે મળેલી રકમનાં ચેક આ ફેક એકાઉન્ટમાં જમા કરાવી ત્યાંથી રૂપિયા વગે કરાયાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી મિલકતદારો તરીકે હાજર રહેલા તથા દસ્તાવેજમાં સાક્ષી બનેલાઓની શોધખોળ કરાઇ હતી. આ કૌભાંડના સૂત્રધાર તરીકે બહાર આવેલા ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈન મૂળ રાજસ્થાનના પ્રતાપગઢનો વતની હોવાથી ત્યાં તપાસ કરાઇ હતી. વળી પાસપોર્ટની વિગત મેળી મેળવી એરપોર્ટ પર તપાસ કરાતાં બંટી દુબઈ ભાગી ગયાનું બહાર આવ્યું હતું, જેતી ઇકો સેલે પાસપોર્ટ નંબરના આધારે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરાવી હતી. જો કે બંટી પરત નહીં આવતા પોલીસે યુ.એ.ઈ. દેશ સાથેની પ્રત્યાર્પણ સંધિનો ઉપયોગ કર્યો હતો. સુરત પોલીસે બંટી જૈનની ગુનાખોરીનાં વિસ્તૃત અહેવાલ સાથે કેન્દ્ર સરકાર, ઇન્ટરપોલ મારફત તેની ધરપકડ અને પ્રત્યાર્પણ માટે પ્રોસીજર કરી હતી. જેથી દુબઈ પોલીસે ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનને ડીટેઇન કરી ભારત ડીપોર્ટ કર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર આવેલા બંટીનો ઇકો સેલે કબજો લઇ ધરપકડ કરી હતી.
સીએ ઉપવન જૈન લંગાડીયાનાં રવાડે ચઢી કૌભાંડી બની ગયો
ઉપવન ઉર્ફે બંટી જૈન સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. બોગસ દસ્તાવેજો ઉભા કરી પારકાની મિલકત બારોબાર વેચી મારતો કૌભાંડી અશ્વિન લાંગડીયા આ બંટી પાસે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરાવવા આવતો હતો. એ સમયે અશ્વિને તે ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની વાત બંટીને જણાવી હતી. આર્થિક રીતે સધ્ધર બંટીને તેની ગાડી લાંગડીયાને ભાડે ફેરવવા આપી હતી. આ ધંધામાં લાંગડીયાએ બંટીને નુકસાન કરાવ્યું હતું. ત્યારબાદ લાંગડીયાએ નુકશાન ભરપાઇ કરવા પેટે પોતાના પાસેની મિલકત ખરીદી શકે એવા વ્યક્તિને શોધી લાવશે તો સારૂ કમિશન આપીશ એવી વાત કરી હતી. બંટી તેની વાતમાં આવી ગયો અને મિલકત ખરીદવા માટે પોતાના વર્ષો જુનો ફેમિલી ફ્રેન્ડ જ્ઞાનચંદ બજરંગલાલ જૈનને તૈયાર કર્યા હતા. બંટીને દિકરા સમાન ગણતાં હોય જૈને વધું તપાસ કર્યા વિના તેની વાતમાં ભરોસો મૂકી ૩.૬૭ કરોડમાં ચાર મિલકત ખરીદી હતી. જો કે આ મિલકતમાં લાંગડીયાએ ખેલ કરી નાખતાં બંટી ફસાયો અને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ઇકો સેલના સબ ઇન્સ્પેક્ટર યોગેશ ગીરનારે બંટી જૈનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ આઠ કૌભાંડીની ધરપકડ થઇ ચૂકી છે
(૧) અશ્વિન કરમશીભાઇ લાંગડીયા
(૨) આરીફ ઉર્ફે સાડાતીન ગુલશેરખાન પઠાણ
(૩) નરેશ કેશવભાઇ વાઢેળ(મેઘવાલ)
(૪) રસીક દેવરાજભાઇ આંબલીયા
(૫) બંસીભાઇ રામજીભાઇ કળસરીયા(પ્રજાપતિ)
(૬)સંગીતા બસીભાઇ કળસરીયા(પ્રજાપતિ)
(૭) ચેતન રમેશભાઇ માંગરોલીયા (પટેલ)
(૮) વિજય ઉર્ફે વીકી કરમશીભાઇ લાંગડીયા (પટેલ)