22, ઓગ્સ્ટ 2025
કોલંબિયા |
3069 |
હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન FARC જવાબદાર હોંવાના આરોપ
દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં વિસ્ફોટક ભરેલી કારથી એક સૈન્ય શાળાની નજીક વિસ્ફોટ કરવામાં આવ્યો, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ એક બીજા હુમલામાં પોલીસના હેલિકોપ્ટરને નિશાન બનાવવામાં આવ્યું, જેમાં 8 પોલીસકર્મીઓના મોત થયા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેત્રોએ બંને ઘટનાઓ માટે ઉગ્રવાદી સંસ્થા રિવોલ્યૂશનરી આર્મ્ડ ફોર્સીસ ઑફ કોલંબિયાને જવાબદાર ઠેરવ્યા છે.
રાષ્ટ્રપતિ પેત્રોએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું કે હેલિકોપ્ટર પરના હુમલામાં 8 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. આ હેલિકોપ્ટરમાં બેઠેલા પોલીસકર્મીઓ એન્ટીક્વા વિસ્તારમાં કોકા છોડની ખેતીને નષ્ટ કરવા જઈ રહ્યા હતા. નોંધનીય છે કે કોકા પાંદડા કોકેઇન ડ્રગ્સ બનાવવા માટે કાચા માલ તરીકે વપરાય છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે જે કોકેઇન પોલીસે જપ્ત કરવાનું હતું, તે FARC નું હતું. એન્ટીક્વાના ગવર્નર જુલિયને જણાવ્યું કે હેલિકોપ્ટર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કોલંબિયાના દક્ષિણપશ્ચિમી શહેર કાલીમાં થયેલા બીજાં હુમલામાં વિસ્ફોટક ભરેલી કારને મીલિટરી એવિએશન સ્કૂલની નજીક વિસ્ફોટ કરવામાં આવી હતી. આ હુમલામાં 5 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.