વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો કેન્દ્રનો પ્રસ્તાવ,
21, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   2475   |  

 હાલમાં વીમા પ્રિમિયમ પર 18 ટકા જીએસટી વસૂલ કરાય છે

કેન્દ્ર સરકારે જીવન અને આરોગ્ય વીમા પોલિસીને જીએસટીમાંથી મુક્તિ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તેમ બિહારના નાયબ મુખ્યપ્રધાન અને વીમા માટે રચાયેલ મંત્રીઓના જૂથના સંયોજક સમ્રાટ ચૌધરીએ જણાવ્યું છે.

હાલમાં જીવન વીમા અને આરોગ્ય વીમા પોલીસીના પ્રિમિયમની ચુકવણી પર ૧૮ ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. વીમા અંગે રચાયેલ મંત્રીઓના જૂથની અહીં યોજાયેલ બેઠકમાં લગભગ તમામ રાજ્યોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતું.

જો કે તેલંગણાના નાયબ મુખ્યપ્રધાન મલ્લુ ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું છે કે રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે કે ટેક્સમાં ઘટાડોનો લાભ કંપનીઓને નહીં પણ ડાયરેક્ટ પોલિસીધારકોને મળવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે રાજ્યો ઇચ્છે છે કે ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવે અથવા તેમાંથી મુક્તિ આપવામાં આવે. કેટલાક રાજ્યોએ માંગ કરી છે કે એવી વ્યવસ્થાની રચના કરવામાં આવે જેથી દરોમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચી શકે. જીએસટી કાઉન્સિલ આ વ્યવસ્થા અંગે નિર્ણય લેશે.

આ અંગે નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે જીએસટી સુધારાઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકાર જીએસટી સુધારાઓ અંગે રાજ્યો સાથે સંમતિ સાધવાનું કાર્ય કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution