શહેરના દંપતીની અનોખી ગૌ સેવા : ગૌમય ગણેશ પ્રતિમાથી ગાયોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ
21, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   3069   |  

9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની આ પ્રતિમાઓ ઉપલબ્ધ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારથી ચિખોદરા ગામ બાજુ જતા કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગૌવંશની સેવા માટે ઓળખાય છે. વર્ષ 2017માં શરૂ કરાયેલી આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં એવી ગાયોનું સંવર્ધન થાય છે, જે તરછોડાયેલી હોય, અપંગ હોય, દૂધ ન આપતી હોય.આ ગૌશાળાનું સંચાલન શહેરના દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ કરે છે. એક ગાયથી શરૂ કરાયેલ આ યાત્રા આજે 22 જેટલી દેશી ગાયોની સેવા સુધી પહોંચી છે. ગીર, કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવવામાં આવી છે. દરેક ગાયનો દૈનિક ખર્ચ 250 થી 300 રૂપિયા જેટલો હોવાથી ગૌશાળાના સંચાલનમાં પડકારો ઉભા થયા.

તે સમયે દંપતીએ ગાયોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ હાથ ધર્યા. ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ‘ગૌમય ગણેશ પ્રતિમા’ બનાવવાનું શરૂ કર્યું. આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સજાવાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી. 9 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકોફ્રેન્ડલી પણ છે.

શ્રુતિસિંહ કહે છે, “આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને બચાવવો અને લોકોને તેમની પરંપરાઓ સાથે ફરીથી જોડવાનો છે. અમારી પ્રતિમાઓ માત્ર ગૌશાળાને સહારો આપે છે એટલું જ નહીં, પરંતુ અનેક લોકોને રોજગારી પણ આપે છે. તદુપરાંત આ વર્ષે ખાસ ગૌમય ગણેશજીની સાથે એક છોડ પણ આપી રહ્યા છે, જેથી ગણેશ વિસર્જન બાદ એજ માટીનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય.”

આ અનોખી પહેલ વડોદરા ઉપરાંત બોરસદ, આણંદ, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં લોકપ્રિય બની રહી છે. વિદેશથી પણ આ પ્રતિમાઓ માટે સહયોગ અને ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution