તિરુપતિ મંદિરમાં ભક્તે 140 કરોડની કિંમતનું 121 કિલો સોનું ચઢાવ્યું
21, ઓગ્સ્ટ 2025 તિરૃપતિ   |   2376   |  

અગાઉ પણ મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તો દ્વારા દાન કરાયું હતું

વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં તાજેતરમાં એક અજાણ્યા ભક્તે મંદિરને 140 કરોડ રૂપિયાની કિંમતનું 121 કિલો સોનું દાન કર્યું છે. આ ભક્તે અઢળક સંપત્તિનું દાન કર્યું છે, તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે. આ માહિતી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક જાહેર કાર્યક્રમમાં આપી હતી.

ગુન્ટુર જિલ્લાના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દાનની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, એક ભક્તે તિરુપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી કે, જો તેનો વ્યવસાય સફળ થાય, તો તે મોટું દાન કરશે. આ ભક્તે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં મોટી સફળતા મેળવી છે. તેણે પોતાની કંપનીના શેર વેચીને 6000થી 7000 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, ભક્તે કહ્યું કે, તેને શ્રી વેંકટેશ્વર સ્વામીએ કૃપાથી ધન મળ્યું છે. જ્યારે તેમને ખબર પડી કે, મંદિરની મૂર્તિને દરરોજ 120 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે, ત્યારે તેમણે 121 કિલો સોનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સોનાની કિંમત આશરે 140 કરોડ રૂપિયા છે. ભક્તે કહ્યું કે તે ભગવાન શ્રી વેંકટેશ્વરને સમૃદ્ધિનું પ્રતીક માને છે અને તેમની કૃપાથી જ તેને આ સફળતા મળી છે.’

તિરુમાલાનું શ્રી વેંકટેશ્વર મંદિર ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે. અહીં સામાન્ય ભક્તોથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી, દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ દાન કરે છે. આ મંદિરમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં દાન મળતું રહ્યું છે. મે 2025 ઉદ્યોગપતિ સંજીવ ગોયન્કાએ 3.63 કરોડ રૂપિયાનો હીરાજડિત સોનાનો હાર દાન કર્યો હતો. જુલાઈ 2025 ચેન્નઈ સ્થિત સુદર્શન એન્ટરપ્રાઈઝે 2.4 કરોડ રૂપિયાની કિંમતનું 2.5 કિલો સોનું દાન કર્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution