હાઈવે પર વાધોડિયા ચોકડીથી કપૂરાઈ સુધી હજુ મોટા ખાડા
21, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   2772   |  

પીક અવર્સમાં લોકોને મુશ્કેલી : વાહનવ્યવહાર મંદગતીએ ચાલતા લોકોને પરેશાની

વડોદરા શહેર નજીક અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે-૪૮ પર સાંકડા બ્રિજના કારણે તેમજ રસ્તા પર પડેલા ખાડાના કારણે અવાર- નવાર સર્જાતા લાંબા ટ્રાફિક જામની સમસ્યાના કારણે હાઈવે ઓથોરીટી દ્વારા બ્રિજ સહિત સ્થળે વરસાદે વિરામ લેતા પેચવર્કની કામગીરી હાથ ધરી હતી. જાેકે, જાંબુવા બ્રિજ પર કાર્પેટીંગ કરવામાં આવ્યું હતુ પરંતુ વાધોડિયા ચોકડી થી કપુરાઈ ચોકડી સુધી એક તરફના માર્ગ ઉપર હજુ મોટા ખાડાઓના કારણે ભારદારી વાહનોની સાથે ફોરવ્હિલર સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. ખાડાઓના કારણે મંદગતીએ ટ્રાફિક ચાલતા લોકો સમયસર નિર્ધારીત સ્થળે પહોંચી શકતા નથી.

વડોદરાવાસીઓએ ચોમાસામાં ખરાબ રસ્તાના કારણે ટ્રાફીક જામ અને સમયની બર્બાદીના સહિતનું ભોગ બનવું પડી રહ્યું છે. સાંકડો બ્રિજ અને ખાડાઓના કારણે જાંબુઆ ચોકડી પાસે ૧૦ - ૧૦ કિમી લાંબી વાહનોની કતારો લાગતી હતી. આ સમસ્યા માંડ ઉકેલાઇ ત્યારે હવે નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી થી કપુરાઈ ચોકડી સુધીના એક તરફના રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા છે. કેટલાક ખાડાએ તો અડધો-અડધ રસ્તો કબ્જે કરી લીધો છે. જેના કારણે પીક અવર્સમાં આ ખાડાઓના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. નેશનલ હાઇવે ઓથોરીટીને સમયસર ખાડાઓ પૂરવાની કામગીરી કરવાની તાકીદ છતાં પણ ઝડપથી ખાડા પુરવાનું કામ થઇ રહ્યું નથી. જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.

જોકે, કેટલાક સથળે ખાડાઓના કારણે એકતરફનો અડધા રસ્તાનો ઉપયોગ વાહનચાલકો કરતા નથી જેથી વાહન વ્યવહાર પણ મંદગતીએ ચાલી રહ્યો છે. ત્યારે ઉંચાઉંચા ટોલ ઉધરાવતાં હાઈવે ઓથોરીટી દ્વારા તાકીદે રસ્તાનું રીપેરીંગ કરવું જાેઈએ તેવું વાહનચાલકોએ જણાવ્યું હતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution