22, ઓગ્સ્ટ 2025
લંડન |
3069 |
PM મોદીએ NRI ઉદ્યોગપતિને શ્રદ્ધાંજલિ આપી
NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું નિધન થયું છે. તેમણે 94 વર્ષની વયે લંડનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બ્રિટનના કેપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક લોર્ડ પોલ છેલ્લા કેટલાક દિવસ થી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોર્ડ સ્વરાજ પોલના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમણે લખ્યું છે કે લોર્ડ સ્વરાજ પોલના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. બ્રિટનમાં ઉદ્યોગ અને જાહેર સેવાના વિકાસમાં તેમનું યોગદાન, ભારત સાથેના ગાઢ સંબંધો માટે તેમનો અતૂટ ટેકો હંમેશા યાદ રહેશે. મેં તેમની સાથે ઘણી મુલાકાતો કરી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના, ઓમ શાંતિ.
બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના વર્તમાન સભ્ય સ્વરાજ પોલનો જન્મ ભારતના પંજાબ રાજ્યના જલંધરમાં થયો હતો. તેઓ 1960ના દાયકામાં તેમની નાની પુત્રી અંબિકાના કેન્સરની સારવાર માટે યુકે ગયા હતા. પરંતુ તેમની પુત્રીનું ચાર વર્ષની ઉંમરે અવસાન થયા પછી, તેમણે અંબિકા પોલ ફાઉન્ડેશનની સ્થાપના એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરી, જેણે શિક્ષણ અને આરોગ્ય પહેલ દ્વારા વિશ્વભરના બાળકો અને યુવાનોના સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કરોડોનું દાન આપ્યું.
તેમનું નામ ધનિકોની યાદીમાં રહ્યું
તેમનું નામ નિયમિતપણે વાર્ષિક 'સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ'માં સામેલ હતું. આ વર્ષે તેઓ 2 અબજ પાઉન્ડની અંદાજિત સંપત્તિ સાથે 81મા ક્રમે હતા.