અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી
19, ડિસેમ્બર 2020 396   |  

અમદાવાદ-

ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં વધતી જતી ઠંડીની અસર હવે ગુજરાત પર થવા લાગી છે. રાજ્યના કચ્છ જિલ્લાના નલિયામાં શુક્રવારે ન્યૂનત્તમ તાપમાન 2.5 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જે ગુરુવારની સરખામણીએ 6 ડિગ્રી ઓછુ છે. સિઝનનું આ સૌથી ઓછુ તાપમાન છે. હવામાન વિભાગે નલિયામાં શનિવાર અને રવિવારે પણ શીતલહેરની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસોથી ઠંડા પવનને કારણે ઠંડીનું જોર વધી ગયું છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે ન્યૂનત્તમ 13.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે ગુરુવારની તુલનામાં એક ડિગ્રી ઓછું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયાનું રહ્યું છે. શુક્રવારે નલિયાનું ન્યૂનતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધવામાં આવ્યું, જે સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટ, કચ્છના કંડલા અને ઉત્તર ગુજરાતના ડીસામાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. જ્યારે વડોદરામાં ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રી અને સુરતમાં 15.6 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે નલિયાનું તાપમાન સૌથી નીચું નોંધાયું છે. આગામી 48 કલાક નલિયામાં કોલ્ડ વેવ રહેશે અને રાજ્યના અન્ય શહેરો પણ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. એટલે કે આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહશે અને બે દિવસ બાદ તાપમાન ઊંચું નોંધાશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution