આણંદ : આખા ચરોતર વિસ્તારમાં જાન્યુઆરી પ્રથમ અઠવાડિયા બાદ સતત મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. શિયાળો ગયો હોય તેવો અહેસાસ વર્તાઇ રહ્યો હતો. લાગતું હતું શિયાળો ગયો, પણ ઠંડીના વધુ એક સ્પેલથી આખું ચરોતર ધ્રૂજી ઊઠ્યું છે. ચરોતરમાં પારો ગગડીને સીધો ૧૧ ડિગ્રી પર પહોંચી ગયો છે. 

હવામાન વિભાગના સૂત્રોનું જણાવવું છે કે, પાકિસ્તાન પર સર્જાયેલાં લો પ્રેશરની અસર ઘટતાં પુનઃ હિમ પવનો મેદાની વિસ્તારોમાં ફૂંકાવાના શરૂ થયાં છે. પરિણામે પુનઃ ઠંડીનું જાેર વધવા પામ્યું છે. ચરોતરમાં ૧૮ દિવસ બાદ પુનઃ લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રીએ સ્થિર થયું છે. વહેલી સવારથી આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં ઠંડીએ જાેર પકડ્યું છે. દિવસ દરમિયાન પણ ઠંડાં પવનો ફૂંકાઈ રહ્યાં છે. આગામી બે - ત્રણ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત સહિત ચરોતરમાં કોલ્ડવેવની અસર રહેશે. ૫થી ૬ કિમીની ઝડપે પવનો ફૂંકાસે, જેથી દિવસે પણ ઠંડીનો અહેસાસ થશે.

આગામી દિવસો દરમિયાન ચરોતરનું તાપમાન સિંગલ ડિજિટમાં જતું રહે તો નવાઈ નહીં. હવામાન ખાતા દ્વારા હજું તાપમાન નીચું જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આણંદ-ખેડા જિલ્લામાં શનિવાર સુધી દિવસે અસહ્ય ગરમીનો અહેસાસ થતો હતો. મહતમ તાપમાન ૩૦ ડિગ્રી સુધી વધી ગયું હતું. લઘુતમ તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. જાેકે, શનિવારે મોડીસાંજ પછી ચરોતરમાં વાતાવરણ પલટાયું હતું. ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે પુનઃ હિમપવનો મેદાની વિસ્તારો ફૂંકાવા લાગતાં સમગ્ર મધ્ય ગુજરાતમાં ઠંડીનું જાેર વધવા પામ્યું છે.

ચરોત્તરમાં ૨.૫ કિમીની ઝડપે હિમપવનો ફૂંકાઈ રહ્યાં છે. તેનાં કારણે લઘુત્તમ તાપમાનમાં ૨૪ કલાકમાં જ એકથી દોઢ ડિગ્રી ડાઉન ગયું છે. હાલ લઘુતમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રી સેન્ટિગ્રેડ અને મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ રહેશે. ત્યારબાદ ઠંડીમાં થોડી રાહત મળશે.

ઠંડી વધતાં ભાલ વિસ્તારના ખેડૂતોમાં આનંદનો માહોલ

જાન્યુઆરી માસમાં ગરમીનું પ્રમાણ અચાનક જ વધી જતાં ઘઉંની ખેતી કરતાં ભાલ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. ઘઉંની મંજરી તૈયાર થવા આવી હતી ત્યારે ગરમી પડતાં પાકનો ઊતારો ઘટે તેવી ભીતિ સેવાઈ રહી હતી. જાેકે, રવિવાર પુનઃ ઠંડીનું જાેર વધ્યું હતું. આગામી ૧૦ દિવસ સુધી સામાન્ય ઠંડી રહે તો પણ ઘઉંના દાણાનો ફાલ વધુ સારો ઊતરે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે.