વડોદરા : ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે શહેરમાં ૪૩ અને તાલુકાકક્ષાએ ૯ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. 

ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર આપવા કરુણા અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે કરુણા અભિયાન તા.૧૦-૧થી તા.૨૦ હાથ ધરવામાં આવશે. આ વર્ષે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વડોદરા શહેરમાં ૪૩ અને તાલુકાકક્ષાએ-૯ પક્ષી સારવાર અને બચાવ કેન્દ્રો અને ૧૫ જેટલા દોરી કલેકશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાની એબ્યુલન્સ-૧, કરુણા એમ્બ્યુલન્સ-૨, તાલુકા વેટરનરી ૧૦ દવાખાના સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઉપરાંત અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાના ૭૦૦થી વધુ સ્વયંસેવકો અને ૧૦૦ જેટલા સરકારી અધિકારી-કર્મચારીઓને પણ જાેડવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઉતરાયણ પર્વ અગાઉ આવતીકાલ રવિવારથી પક્ષીબચાવ કાર્યક્રમ અંતર્ગત વિહંગરથ તેમજ વડોદરા જિલ્લા અને શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કેન્દ્રોને સંબંધિત માહિતીના બેનર્સ પેમ્ફલેટ વિતરણ સાથે રેલી યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

સવારે અને સાંજે પક્ષીઓના આવાગમનના સમયે પતંગ ન ચગાવવા અનુરોધ

ઉત્તરાયણનું પતંગ પર્વ નિર્દોષ પક્ષીઓ અને પશુઓ માટે ઘાતક ન બને તે માટે પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા દર વર્ષે કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઘાયલ પશુપક્ષીઓની સારવાર અને જીવનરક્ષાના વ્યાપક પ્રબંધો કરવામાં આવે છે જે આ વર્ષે પણ કરવામાં આવ્યા છે, તેના અનુસંધાને નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ ઉત્તરાયણમાં ખાસ કરીને વહેલી સવાર અને સાંજનો સમય જે પક્ષીઓના માળામાંથી આવાગમનનો સમય હોવાથી પતંગ ન ચગાવી તેમની જીવનરક્ષામાં સહયોગ આપવા લોકોને અનુરોધ કર્યો છે.