નડિયાદ : ખેડાના ઠાસરા તાલુકાના કોટલીંડોરામાં ૨ વર્ષના માસૂમ પુત્ર સાથે આત્મહત્યા કરી લેનાર પરીણિતાનાં પતિ અને સસરાં સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોટલીંડોરા ગામે મંગળપુરા વિસ્તારમાં રહેતી પરીણિતા કૈલાશબેન બળદેવસિંહ ચાવડાએ પોતાના ૨ વર્ષના સંતાન સાથે આપઘાત કર્યો હતો. ગત તા.૧૬મી ફેબ્રુઆરીના રોજ કૈલાશબેને પોતાના ૨ વર્ષના દીકરાને લઈ પોતાનાં સાસરાંમાંથી ચાલ્યાં ગયાં હતાં. મોડી રાત સુધી બંનેની કોઈ ભાળ મળી નહોતી. પરીણિતાનાં પતિ બળદેવસિંહ અને સસરાં રમણસિંહે આ અંગેની જાણ તેણીનાં પિયરમાં કરી હતી. આ દરમિયાન ગત ૧૮મીના રોજ ઉમરેઠ પાસેની નહેરમાંથી કોઈ મહિલાનો મૃતદેહ તણાઈ આવ્યો હોવાની જાણ થતાં આ પરીણિતાનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. બાદમાં ઓળખ કરતાં આ મૃતદેહ કૈલાશબેનનો હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યાં મુજબ, મૃતક પરીણિતાનાં પિતાએ તપાસ કરતાં કૈલાશબેનનાં પતિ બળદેવસિંહ અને સસરાં રમણસિંહ અવાર નવાર કૈલાસબેનને માનસિક ત્રાસ આપતાં હતાં. આ ત્રાસ સહન ન થતાં માસૂમ દીકરા સાથે નહેરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કરાયો હતો. વધુમાં બનાવના દિવસે બળદેવસિંહે ખોટો વહેમ રાખી પત્ની કૈલાશબેન સાથે બોલાચાલી કરી હતી. તેથી કૈલાશબેન રિસાઈને ચાલ્યાં ગયાં હોવાનું મૃતક દીકરીનાં પિતા જગદીશભાઈ પુજાભાઈ વાઘેલાને જાણવા મળ્યું હતું. આથી કૈલાશબેનનાં પિતાએ આ અંગે ડાકોર પોલીસ મથકે પતિ અને સસરાં સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્પ્રેરણાંની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.