લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2026 |
2475
અમદાવાદ, અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે ૨૫ હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા સામજિક કાર્યકર ગૌરાંગ રાવલે એડવોકેટ કુંતલ જાેશી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં શેલા ખાતે આવેલ ક્લબ ઓ સેવનની ક્યૂબ લોન્જ સામે ૩૦ લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. ક્યૂબ લોન્જ રેસ્ટોરન્ટ વ્યાંધમ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવે છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પોતાના બહેન અને બનેવી સાથે ૭ માર્ચના રોજ ઉપરોક્ત રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યાં તેમને વેઇટરને ૧ વેજ મખ્ખનવાલા, ૩ બટર રોટી, ૧ દાલફ્રાય, ૨ ફ્રાય પાપડ અને ૨ છાશનો ઓર્ડર કર્યો હતો. ૧૫ મિનિટ બાદ વેઇટરે ઓર્ડર સર્વ કર્યો હતો. પરંતુ તેમાં વેજ મખ્ખનવાલાનું શાક દેખીતી રીતે હોવું જાેઈએ તેવું લાગતું નહોતું. આથી ગ્રાહકે વેઇટરને અને શૅફને પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ શાક વેજ મખ્ખનવાલા જ છે. આથી ગ્રાહકે પોતાના બહેન અને બનેવી સાથે ખાવાનું શરૂ કરતાં તેને કાઈ અજુગતું લાગ્યું હતું. તેને એવો અંદેશો આવી ગયો હતો કે આ માંસાહારી ખોરાક છે. તેને વેઇટર અને શૅફને આ અંગે પૂછતાં તેઓ તે વાત માનવા તૈયાર નહોતા. જાે કે પાછળથી એક શેફે સ્વીકાર્યું હતું કે આ વેજ મખ્ખનવાલા નહિ પણ મુર્ગ મખ્ખનવાલા છે, એટલે કે ચિકનની માંસાહારી વસ્તુ છે. ઘટના અંગે ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેસ્ટોરન્ટ સામે ૩૦ લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. જેમાં ૧૦ લાખ રૂપિયા માનસિક પીડાના, ૧૦ લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને ૧૦ લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો ૫૦ હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો.સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જાેઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. શુદ્ધ શાકાહારી વ્યક્તિએ ફક્ત શાકાહારી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પસંદ કરવું જાેઈએ. જાે કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને ૨૦ હજાર રૂપિયા વળતર અને ૦૫ હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.