મહુધા, તા.૨૩ 

મહુધાના મહિસા સરપંચ દ્વારા ગ્રામ પંચાયત હસ્તકના ત્રણ તળાવોને પરવાનગી વિના ગેરકાયદેસર મત્સ્યઉદ્યોગ માટે ભાડે આપી પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડવા મામલે મહુધા ટીડીઓ કાજલ આંબલિયાએ ગુજરાત અધિનિયમની કલમ-૫૭ હેઠળ સરપંચને સત્તા પરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને ભલામણ કરી હતી. એ પછી ખેડા ડીડીઓ ડી.એસ.ગઢવી દ્વારા સરપંચ પ્રવીણભાઈ પી.સોઢા સપરમારને હોદ્દા પરથી દૂર કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

મહિસા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામના ત્રણ તળાવોને ગેરકાયદેસર રીતે ભાડે આપી પંચાયતને આર્થિક નુકસાન કર્યાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. આ મામલે ટીડીઓ દ્વારા જાત તપાસ કરી વિસ્તરણ અધિકારીને સમગ્ર મામલે આરોપો અને પુરાવાઓ એકત્રીત કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ તપાસમાં સરપંચ દ્વારા ખોભોડ તળાવ કઠલાલ તાલુકાના ભાનેર ગામના વિનોદભાઇ ધનજીભાઇ તળપદાને વાર્ષિક ૧૧ હજારમાં ભાડા પટે આપવામાં આવ્યું હતું, જ્યારે ડોભાઇ તળાવ પેટે કોઈ રકમ મળી ન હતી. આ ઉપરાંત મર્મ સાગર તળાવ ભાડે આપવા સ્થાનિક સંજયભાઇ મણીભાઇ પટેલે રૂ.૧.૫૦ લાખ તળાવ ભાડે રાખનાર પાસેથી લીધાં હતાં, જેમાથી સંજય પટેલ દ્વારા સરપંચને ફક્ત રૂ.૬૦ હજાર આપ્યાં હતાં. આ સમગ્ર મામલે સરપંચ દ્વારા ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન પહોંચાડવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના ત્રણ તળાવો બિનપરવાનગીથી જાહેર હરાજી કર્યા વિના ભાડાપટ્ટે આપી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સાબિત થયું હતું. પરિણામે મહુધા ટીડીઓ દ્વારા મહિસા સરપંચ પ્રવીણભાઇ પ્રભાતભાઇ સોઢા પરમારને ગુજરાત અધિનિયમની કલમ-૫૭ હેઠળ સરપંચ પદેથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને ભલામણ કરવામાં આવી હતી, જેથી ગેરકાયદેસર તળાવો ભાડાપટ્ટે આપવા મામલે મહિસા સરપંચને જિલ્લા પંચાયત કચેરી ખાતે રૂબરૂ બોલાવી સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સરપંચ પોતાના બચાવમાં ગેરકાયદેસર ભાડા પટ્ટે ન આપ્યા હોવાનો કોઇ ચોક્કસ ખુલાસો કરી શક્યાં ન હતા. આ સમગ્ર મામલે ડીડીઓ ડી.એસ.ગઢવી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ મહિસા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ પી.સોઢા પરમારને તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા હુકમ કરવામાં આવતાં સરપંચોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.