લેખક : કલ્પના ગાંધી |
આવતીકાલે ઈન્ટરનેશનલ ફાધર્સ-ડે છે ત્યારે થોડીક વાતો મમ્મી અને પપ્પાના જગતની.
મમ્મી જિંદગીનું ગીત હોય છે પણ પપ્પા એ વાંસળી હોય છે, જેમાંથી મમ્મીનું ગીત પ્રગટી શકે! મમ્મી સંવેદનાનો સમંદર હોય છે પણ પપ્પા એ સંવેદનાને જાળવી શક્તા હોય છે! જાે પિતામાં સામર્થ્ય, સાહસ અને શૌર્ય ન હોય તો મા સાચા અર્થમાં સંવેદનાનું ઉચ્ચ સ્તર જાળવી ન શકે ! મમ્મી હંમેશા મધમીઠી હોય છે પણ પપ્પા એ મીઠાશને સરભર કરનારી નમકીન તીખાશ હોય છે! જાે બંને મધમીઠા હોય તો બાળકની જિંદગીને ડાયાબિટીસ થઈ જાય છે માટે ઈશ્વરે કરેલી આ અનેરી ગોઠવણ છે!
મમ્મીના દિલમાં હંમેશા બાળક માટે એક આસન હોય છે પણ પપ્પાનું દિમાગ એક અનુશાસન આપે છે, પ્રશાસન આપે છે! મમ્મી ભોજન ખવડાવે છે, કપડાં પહેરાવે છે પણ પહેલાં પપ્પા એ ભોજન ને કપડાં બજારમાંથી લાવી આપે છે! મમ્મી ખૂંદવા માટે ખોળો આપે છે, પપ્પા ઉડવા માટે આસમાન આપે છે. મમ્મી જીવવા માટે ઘર બનાવે છે, પપ્પા મકાનની હકિકત પણ સમજાવે છે!
ભગવાને મમ્મીનું સર્જન કર્યું કારણ કે એ ઠેર ઠેર મમતાપૂર્વક હાજર નહોતો રહી શકતો, પરંતુ ભગવાને પપ્પા પણ બનાવ્યાં જેથી એ પોતાનો કેમેરો ક્ષમતાપૂર્વક ઓન રાખી શકે! મમ્મી દિવસભર લાડ લડાવે છે, પપ્પાને એવા લાડ- કોડ ઝાઝા ફાવતા નથી છતાં તે દિવસભરના થાકને અંતે રાતનો પહેરો બની રહે છે. બાકી બધા ઘોડા વેચીને સૂઈ શકે છે કારણ કે પપ્પાની ત્રીજી આંખ સતત જાગતી હોય છે !
મમ્મી કવિતા હોય છે પણ પપ્પા કથા હોય છે! મમ્મીની આંખ રડી શકે છે પણ પપ્પાના હૃદયમાં વ્યથા હોય છે. મા કરુણાનો વિસ્તાર કરે છે, પિતા કુશળતાપૂર્વકનો વ્યવહાર ધરે છે. મા સંસ્કારથી જીવન સજાવે છે, પિતા રફ્તારથી જીવન ગજાવે છે. મા તુલસીક્યારે જળ રેડે છે, પિતા સંતાનોના જીવનરૂપી ખેતરને ખેડે છે.
મમ્મી ચાંદની બનીને સંતાનોને માથે શીતળતાનો લેપ કરે છે, પિતા સૂરજના કિરણો થકી ઉર્જા બની ઝરે છે. મા જન્મ પહેલાં જ સંતાન નામની અદ્વિતિય કૃતિને સ્વીકૃતિ આપી દેતી હોય છે. પપ્પાની ‘ગુડ બૂક’માં સામેલ થવા વ્યક્તિત્વમાં કેટલીક કાપ-કૂપ કરવા-મૂકવાની હોય છે.
મમ્મી હોય છે ત્યાં સુધી ઘર ને સંસાર હોય છે. પપ્પા હોય છે ત્યાં સુધી જીવનપર્યંત રમકડાં ને બજાર હોય છે ! મમ્મી સ્નેહનું નમણું ઝરણું હોય છે, પપ્પા આંખમાં સજાવેલું શમણું હોય છે ! મમ્મીના મારમાં પણ પ્યાર જાેઈ શકાય છે, પપ્પાનો તો પ્યાર પણ છુપા કોઈ ડરની વણઝાર લાગે છે.
મમ્મી ચીનની દિવાલ બનીને ઊભી રહી શકે છે, પણ પપ્પા દરવાજાે દેખાડી શકે છે! મમ્મી તો હસતાં હસતાં પણ રડી પડે છે, પણ જાે પપ્પા મરકે તો ઘર આખું ખડખડાટ હસી પડે છે !
પણ એક દિવસ... ખબર જ નથી પડતી કયારે ... ઝાંબાઝ, શેરદિલ, શૂરવીર, તેજસ્વી પિતા બુઝુર્ગ બની જાય છે. બુઢ્ઢા થઈ ગયેલાં પિતાના હાડકાં ખખડે છે, રોજ વિતાવવો પડતો દિવસ ભારે પડે છે. બંને જણાં મા-બાપ, પાંખો આવીને ઊડી ગયેલા સંતાનો માટે તરસે છે, ત્યારે મા થોડી થોડી પપ્પા જેવી ને પપ્પા થોડા- થોડા મમ્મી જેવા બની જાય છે! બંને જણાં એકમેકને ફરિયાદ ન પણ કરે તોય બંને જાણતા હોય છે, હવે આપણે એકલાં-અટૂલાં થઈ ગયા છીએ !
દિવસે તેઓ સૂરજ પાસે નૂરના ધાગાં ઉધાર માંગી લાવે છે ને રાતે ઊંઘ વગરની આંખોમાં તેને આંજી સંતાનોના શમણાંને રૂપાળાં કરીને ગૂંથે છે. તે પ્રકાશના તાંતણામાંથી સીવે છે, સંતાનો માટે આશીર્વાદના નીતનવા પરિધાન! એક દિવસ જે પિતાની ઘરમાં ધાક હતી, એ પિતા આજે ડરે છે કે મારી ઔલાદ કયાંક, કોઈક, કશીક વાતે મારાથી નારાજ ન થઈ જાય, ને ઊંચો સાદ ન કરી બેસે!
કમરેથી વાંકા વળી ગયેલાં, આંખોથી ઝંખવાઈ ગયેલાં, કાનેથી બહેરા થઈ ગયેલાં, દાંતેથી ટૂટી ગયેલાં, વાળેથી ઉડી ગયેલાં પિતા જિંદગીનું બીજું નામ એડજસ્ટમેન્ટ લખી નાખે છે! દિકરા સાથે, પુત્રવધૂ સાથે, પૌત્ર-પૌત્રીઓ સાથે... બધા સાથે હવે જિંદગીને એડજસ્ટ કરવાની હોય છે, અને હોય છે એક ઝંખના કે કોઈ હોંકારો દે, બે ઘડી પાસે આવી બેસે, કશુંક કહે-કશુંક સાંભળે, કશુંક પૂછે, બોખાં થઈ ગયેલા ચહેરા પર પાછું જરા કોઈ અજવાળું આવે એવું સ્મિત ચિતરે, ને એવી આશમાં ને આશમાં પિતાની આંખો છાની-છાની નિતરે છે ! એ આસુંમાંથી ભૂતકાળનું સોનું વહેતું હોય છે!
એવો એક વૃદ્ધ પિતા જેણે પોતાની જીવનસંગિની ઢળતી ઉંમરે ખોઈ છે ને સંતાનો હવે ‘સાંભળતા નથી’ ને પાછા બુઝુર્ગને ‘બહેરો’ કહે છે, તે સંસારની બહુ કરુણ પરિસ્થિતિ છે !
સિંહ જેવો બાપ જે રૂઆબ ને અસબાબથી જીવ્યો હોય એવા જ દબદબામાં તેની જીવનસંધ્યા વીતે તે જાેવાનું કામ પુખ્ત થયેલા સંતાનોનું છે. મરણપથારીએ માણસના મોંમાં જે શબ્દો હોય છે, બસ એ જ સાચાં! અગર તે વખતે દુઆ ને આશિષો સર્યા તો યાદ રાખજાે, પિતાની સુખડના હાર ચઢેલી તસવીરો પણ આશીર્વાદ વરસાવશે! આ ફાધર્સ-ડે પર સૌ સંતાનોને શુભેચ્છા કે પપ્પાના આથમતા જતાં જીવનને પોતાનો આયનો બનાવી જૂએ! પિતાની આંખોમાં હરખના ચાર આંસુ લાવી જૂએ!
આવા પિતા જાે હયાત હોય કે ન હોય પણ જાે સંતાનો માયાળું હોય તો તેમને માટે સદા જીવંત હોય છે! અનંત હોય છે!! જીવન પર્યંત હોય છે!!! એવા પિતા માટે જીવતી ચામડીના જાેડાં સીવડાવી દેવાથી પણ તેમનું ઋણ ચૂકવી શકાતું નથી...
ઠ-ફેક્ટર
પિતા થવું અઘરું છે,એમાંય જ્યારે પોતાના પિતા વૃદ્ધવયે બાળક થઈ જાય,
ત્યારે તેમના પિતા થવું એ પોતાના બાળકના પિતા થવા કરતાં પણ વધુ કપરું છે !
Loading ...