ભરૂચ, તાઉતે વાવાઝોડામાં પવનના સુસવાટા સાથે વરસેલા ધોધમાર વરસાદમાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે. વવાઝોડાની રફતાર ૧૦૦ કિ.મી. સુધી પહોંચી હોવાના પગલે કેળ, કેરી, પપૈયા, ડાંગરની ખેતીને વ્યાપક નુકશાન થયું છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું હાંસોટ તાલુકામાં વાવેતર થાય છે. વાવઝોડાના પગલે પવનના સુસવાટામાં એક અંદાજ મુજબ ૪૦૦૦ એકર ડાંગરના પાકને નુકશાન થયું છે. ત્યારે ઝઘડિયા તાલુકામાં ૨૦૦૦ એકર જેટલા કેળ તેમજ પપૈયાના ઉભા પાકને નુકશાન થયું છે. આખું વર્ષ માવજત કર્યા બાદ ઉનાળાની સિઝનમાં કેરીના પાકનું ઉત્પાદન થતું હોય ચક્રવાતના પવનના સૂસવાટામાં ૫૦% થી વધુ કેરીનો ઉભો પાક ખરી પડ્યો હતો. જેના કારણે ૧૦૦૦ એકરથી વધુ કેરીના ઉભા પાકને નુકશાન થયું હોવાનું કૃષિ વૈજ્ઞાનિક ર્નિમલસિંહ યાદવ જણાવી રહ્યા છે. તેમજ ચંદનના વૃક્ષ, ચીકુની વાડીઓ, સરગવા, જાંબુ, જમરૂખની વાડીઓમાં પણ ભારે નુકસાન થયું છે. આ બાબતે સરકારી તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ ન કરી દરેક ધરતીપુત્રોને નુક્શાનીનું યોગ્ય વળતર મળે તે માટે ખેડૂત અગ્રણીઓ, ખેડૂત નિષ્ણાતો તેમજ ગામે ગામના જાગૃત ખેડૂતોને એકબીજા સાથે સંપર્કમાં રહી કામગીરી કરવાની હાકલ કરી છે.