વડોદરા, તા.૨૫

 માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલ ૧૯૨ વસાહતો પૈકી માત્ર ૬૬ વસાહતોને યુએલસી અને સૂચિત સોસાયટીના કાયદાનો લાભ મળ્યો છે. ૧૨૬ વસાહતોને કાયદેસરતા મળી નથી. ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપરવાળા આ મકાનોને કાયદેસર કરવાની માગ સાથે કલેકટરને રજૂઆત કરાઇ હતી.માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને દક્ષિણ વિસ્તારના કાઉન્સિલરોએ કલેકટરને આવેદનપત્ર આપી કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા યુએલસીની જમીન પર બાંધકામ થયેલ મકાનોને કાયદેસર કરી તેઓને સનદ આપવામાં આવી કાર્ય પૂર્ણ કર્યું છે. ત્યાર બાદ સૂચિત સોસાયટીનો કાયદો અમલમાં આવતાં ખાનગી માલિકીની જગ્યા ઉપર બાંધકામ થયેલ મકાનોને કાયદેસર કરી તેઓને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા. આમાં ૩૦ ટકા મકાનોને કાયદેસર કરાયા છે. માંજલપુર વિધાનસભા-૧૪૫માં ૧૯૨ વસાહતોમાંથી ફકત ૬૬ વસાહતોને યુએલસી અને સૂચિત સોસાયટીના કાયદાનો લાભ મળ્યો છે. હજુ પણ ૧૨૬ વસાહતોને કાયદેસરતા મળી નથી. આ વસાહતોના જમીનના સત્તા પ્રકારની નોંધમાં શ્રીસરકાર, સરકારશ્રી, નવી-અવિભાજ્ય પ્રસપ, ગણોધારા કલમ-૪૩ પ્રસપ, સરકારી પડતર, સરકારશ્રી ફાજલ, સરકારી પડતર યુએલસી, જીઆઇડીસી દર્શાવે છે તેવી જમીનોના પંચક્યાસ થવા પાત્ર નથી. આવી બોજાવાળી જમીન પર લોકો ૩૦ વર્ષથી રહે છે. આ જમીનમાં સુધારો કરી તેને સૂચિત સોસાયટીના કાયદામાં સમાવેશ કરી તમામ વસાહતોને કાયદેસર કરવાની કાર્યવાહી કરવા માગ કરી છે.