દિલ્હી-

દેશના ડોકટરો માટે આ રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકાર હેઠળ કાર્યરત તબીબોને પીજી કોર્સના પ્રવેશમાં અનામત મળશે. જાે કે સુપ્રીમ કોર્ટે પણ આ માટે કેટલીક શરતો મૂકી છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શરૂઆતથી જ તેનો વિરોધ કરી રહી હતી. પરંતુ કોર્ટે તેની વાત સ્વીકારવાની ના પાડી. સુપ્રીમ કોર્ટે  કહ્યું  કે, રાજ્ય સરકાર દુર્ગમ વિસ્તારોમાં કાર્યરત સરકારી તબીબોને પી.જી. પ્રવેશમાં અનામત આપવાની સત્તા ધરાવે છે.

સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સ એસોસિએશનની તરફેણમાં ચુકાદો આપતા  કહ્યું  કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રાજ્ય સરકારના આ અધિકારમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. ડોક્ટરોની તરફેણમાં ચુકાદો આપતી વખતે કોર્ટે અનામત આપવા માટેની કેટલીક શરતો પણ મૂકી છે. કોર્ટે  કહ્યું છે કે એમબીબીએસ કર્યા પછી રાજ્ય સરકારની હોસ્પિટલમાં કામ કરતા ડોકટરોને પીજી કોર્સમાં અનામત મળશે, પરંતુ અભ્યાસ પૂરો કર્યા પછી, તેઓએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ગામ, આદિજાતિ અથવા પર્વતીય વિસ્તારમાં નોકરી કરવી પડશે. .

અગાઉ, ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત એમબીબીએસ ડોકટરોને દર વર્ષે ફક્ત 10 ટકા નંબર આપવામાં આવતા હતા. NEET‌ પરીક્ષામાં મહત્તમ 30 ટકા નંબર હતા. ડોકટરોની માંગ હતી કે તેઓને નંબરને બદલે પ્રવેશમાં અનામત આપવામાં આવે. સીટ ઓછી હોવાને કારણે ડોકટરોને એમબીબીએસ પછી પીજી કરવા માટે દેશભરમાં ભટકવું પડે છે. સરકારી કોલેજમાં પ્રવેશની ગેરહાજરીમાં ખાનગી કોલેજાેમાં મનસ્વી ફી લેવાનો આક્ષેપ કરવામાં આવે છે.