અમરેલી-

રાજુલા ખાતે કથાકાર મોરારિબાપુની ચાલતી કથા દરમિયાન આજે બાપુ દ્વારા મોટી જાહેરાત કરાઇ છે. બાપુએ જાહેર કરેલું એ મુજબ મહુવાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકૂટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે. ઉપરાંત પૂજ્ય બાપુએ આજની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. એમાં ચિત્રકૂટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.

બાકીના 95 લાખ આગામી દિવસોમાં જેના તરફથી નાણાકીય સેવા રૂપે મળશે, તેમાં એક કરોડ રૂપિયા પૈકી પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા - એ ચાર તાલુકામાં કોરોના સંદર્ભમાં જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે યથાયોગ્ય રીતે વાપરવામાં આવશે. આપણે આપણા સ્તરેથી જે કાંઈ કરી શકતા હોઈએ એ કરી છૂટવાના ભાવ સાથે પૂજ્ય બાપુએ અશ્રુપૂર્ણ શબ્દોમાં વ્યાસપીઠની રચનાત્મક સેવાની જાહેરાત કરી છે. રાજુલા હોસ્પિટલ અને મંદિરના લાભાર્થે કથા ચાલી રહી છે. રાજુલા ખાતે 10 જેટલા યજમાન પરિવારની હાજરીમાં રામકથા ચાલી રહી છે, જેમાં રાજુલા મહાત્મા આરોગ્ય ગાંધી હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથા ચાલી રહી છે. આ કથામાં આરટી-પીસીઆર ટેસ્ટ બાદ પ્રવેશ મળ્યો છે તેમજ આજે બાપુની મોટી જાહેરાતને લોકો આવકારી રહ્યા છે.