રાજપીપળઆ, તા.૧૭ 

નર્મદા જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ ૨૦૫ ગામ માટેની ઉકાઇ જળાશય આધારિત રૂા. ૩૦૮ કરોડની સાગબારા- દેડીયાપાડાની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાના ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. દેડીયાપાડા ઉપરાંત જિલ્લાના પાનખલા, પીપળીપાડા, ગોડમુખ અને કનખાડી ગામોએ પણ આ ઇ-લોકાર્પણ કાર્યક્રમના કરાયેલા જીવંત પ્રસારણને ગ્રામજનોએ નિહાળ્યુ હતું.

 સાગબારા તથા દેડીયાપાડા તેમજ સોનગઢ તાલુકાના જમણા કાંઠાનો વિસ્તાર ઉકાઇ ડેમ તથા સરદાર સરોવર જળાશયના જળસ્રાવ વિસ્તાર ડુંગરાળ તેમજ ખડકવાળો હોઇ ઉનાળામાં પીવાના પાણીની અછત રહેતી હોવાથી ગ્રામજનોને કાયમી ધોરણે પીવાનુ શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ઉકાઇ જળાશયમાં સોનગઢ તાલુકાના બોરદા ગામ નજીક ઇનટેક વેલ બનાવી રો-વોટર મેળવી શુધ્ધિકરણ કરી કાયમી ધોરણે પીવાનું શુધ્ધ પાણી અપાશે. આ જુથ પાણી પુરવઠા યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે અને ઉક્ત ગામો લાભાન્વિત થયાં છે, જેના માટે હાલમાં ૩૦.૬૩ એમ.એલ.ડી. ઉકાઈ જળાશયમાં આરક્ષિત છે.