લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જાન્યુઆરી 2026 |
2574
ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૧મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી)નું ઉદઘાટન કરાશે. આ વીજીઆરસી તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરાયું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦,૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧.૭૩ કરોડની રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કાર્ય કરાતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા પણ હર્ષ સંઘવીએ વ્યક્ત કરી હતી. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરે થી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી.