હૃષીકેશ મુખર્જીને ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્દેશક તરીકે ગણવામાં આવે છે. હૃષિ-દા તરીકે તેઓ વધુ જાણીતા હતા.તેમણે ચાર દાયકાથી વધુની તેમની કારકિર્દી દરમિયાન ૪૨ ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેમને ભારતના 'મધ્યમ સિનેમા'ના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. બદલાતી મધ્યમ-વર્ગની નૈતિકતાને પ્રતિબિંબિત કરતી તેમની સામાજિક ફિલ્મો માટે પ્રખ્યાત મુખર્જીએ મુખ્ય પ્રવાહના સિનેમાની અતિશયતા અને આર્ટ સિનેમાના તદ્દન વાસ્તવિકતા વચ્ચે એક જુદો મધ્યમ માર્ગ કોતર્યો હતો.તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ પણ રહ્યા હતા. ભારત સરકારે તેમને ૧૯૯૯માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને ૨૦૦૧માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.તેમને ૨૦૦૧માં એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો જ્યારે તેમણે આઠ ફિલ્મફેર પુરસ્કારો પણ જીત્યા હતા .
હૃષીકેશ મુખર્જીનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૨૨ના રોજ ભારતમાં કલકત્તા શહેરમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને કલકત્તા યુનિવર્સિટીમાંથી રસાયણ શાસ્ત્રમાં સ્નાતક થયા. ફિલ્મ નિર્માણને કારકિર્દી તરીકે અપનાવતા પહેલા તેમણે થોડો સમય ગણિત અને વિજ્ઞાન ભણાવ્યું હતું.
હૃષીકેશ મુખર્જી પરિણીત હતા અને તેમને ત્રણ પુત્રીઓ અને બે પુત્રો છે. તેની પત્નીનું અવસાન ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં થયું હતું. તેમના નાના ભાઈ દ્વારકાનાથ મુખર્જીએ તેમની ઘણી ફિલ્મોની પટકથા લખવામાં મદદ કરી હતી. તે પ્રાણીપ્રેમી હતા અને બાંદ્રા મુંબઈમાં તેના નિવાસસ્થાને ઘણા કૂતરા અને એક બિલાડી હતી.
હૃષીકેશ મુખર્જીએ ૧૯૪૦ના દાયકાના અંતમાં કલકત્તામાં બી.એન.સરકારના ન્યૂ થિયેટર્સમાં શરૂઆતમાં કેમેરામેન તરીકે અને પછી ફિલ્મ એડિટર તરીકે કામ કરવાનું પસંદ કર્યું, જ્યાં તેમણે તેમના કૌશલ્યો સુબોધ મિત્તર પાસેથી શીખ્યા, જે તેમના જાણીતા એડિટર હતા. ત્યારબાદ તેણે મુંબઈમાં બિમલ રોય સાથે ૧૯૫૧થી ફિલ્મ એડિટર અને સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું , રોયની સીમાચિહ્નરૂપ ફિલ્મો દો બીઘા જમીન અને દેવદાસમાં તેઓ સહભાગી હતા.
૧૯૫૭માં તેમનું પ્રથમ દિગ્દર્શનનું સાહસ એવું મુસાફિર સફળ રહ્યું નહતું, પરંતુ તેમણે ૧૯૫૯માં તેમની બીજી ફિલ્મ અનારી માટે ખુબ પ્રશંસા મેળવી હતી. ફિલ્મ, ક્રૂ અને કલાકારોએ પાંચ ફિલ્મફેર પુરસ્કારો જીત્યા હતા, જેમાં મુખર્જીએ માત્ર શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ગુમાવ્યો હતો. પછીના વર્ષોમાં તેણે અસંખ્ય ફિલ્મો કરી. તેમની કેટલીક નોંધપાત્ર ફિલ્મોની વાત કરીએ તો અનુરાધા, છાયા,અસલી-નકલી, અનુપમા, આશીર્વાદ, સત્યકામ, ગુડ્ડી, આનંદ, બાવર્ચી,અભિમાન, નમક હરામ, મિલી, ચુપકે ચુપકે,મઝલી દીદી, આલાપ,ગોલમાલ,ખૂબસૂરત અને બેમિસાલ જેવી સુંદર ફિલ્મો યાદ કરવી પડે.ચુપકે ચુપકે દ્વારા ધર્મેન્દ્રને કોમેડી ભૂમિકામાં રજૂ કરનાર તેઓ સૌપ્રથમ હતા.અને ૧૯૭૦માં અમિતાભ બચ્ચનને આનંદ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે તેમને મોટો બ્રેક આપ્યો હતો. તેમણે જયા ભાદુરીને તેમની ફિલ્મ ગુડ્ડીમાં હિન્દી સિનેમામાં પ્રથમ વાર રજૂ કરી હતી .તેમના માર્ગદર્શક બિમલ રોય સાથે એડિટર તરીકે મધુમતી જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી એડિટર તરીકે પણ તેમની ખૂબ જ માંગ હતી. તેમની છેલ્લી ફિલ્મ ઝૂઠ બોલે કૌવા કાટે હતી. તેમનો મૂળ હીરો અમોલ પાલેકર વૃદ્ધ થઈ ગયો હોવાથી તેમણે અનિલ કપૂરને કાસ્ટ કરવો પડ્યો. તેમણે તલાશ જેવી ટીવી સિરિયલો પણ ડિરેક્ટ કરી છે.
તેમને ૨૦૦૧માં ભારત સરકાર દ્વારા ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાએ નવેમ્બર ૨૦૦૫માં તેમને તેમની ફિલ્મોના પૂર્વદર્શનથી સન્માનિત કર્યા.તેઓ ૧૯૪૭માં ભારતની આઝાદી પછી લગભગ તમામ ટોચના ભારતીય સ્ટાર્સ સાથે કામ કરવાનું ગૌરવ ધરાવે છે.૨૦૧૩માં ભારતના પોસ્ટ વિભાગ દ્વારા હૃષીકેશ મુખર્જી ના માન માં સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી.
જીવનના અંતિમ તબક્કામાં તે ફક્ત તેમના નોકરો અને પાલતુ પ્રાણીઓ સાથે જ રહ્યા હતા. પરિવારના સભ્યો અને મિત્રો નિયમિત તેમની મુલાકાત લેતા હતા. મુખર્જી ક્રોનિક કિડની ફેલ્યોરથી પીડાતા હતા અને ડાયાલિસિસ માટે લીલાવતી હોસ્પિટલમાં જતા હતા.૬ જૂન ૨૦૦૬ના રોજ વહેલી સવારે તેમને અસ્વસ્થતાની ફરિયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.થોડા અઠવાડિયા પછી ૨૭ ઓગસ્ટ ૨૦૦૬ના રોજ મુખર્જીનું ૮૩ વર્ષની વયે અવસાન થયું અને ભારતીય સિનેમાએ એક ઉત્કૃષ્ઠ એડિટર અને દિગ્દર્શક ગુમાવ્યા.
Loading ...