18, જુલાઈ 2023
વડોદરા, તા. ૧૮
ફતેગંજ વિસ્તારમાં રહેતા અને જેપી રોડ પર આવેલી શાળામાં સ્કુલવર્ધી મારતા એક વિધર્મી યુવકે પોતાની ઈકોવેનમાં આવતી ચાર વર્ષની બાળકીને સ્કુલમાંથી છુટ્યા બાદ ઘરે છોડતી વખતે રસ્તામાં વારંવાર શારીરિક અડપલા કર્યા હતા.
આ બનાવની બાળકીની માતાને જાણ થતાં તેણે સમગ્ર ઘટનાની જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે ઈકોવેનના વિધર્મી ચાલક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
જેપી રોડ પર પતિ અને સંતાન સાથે રહેતી યુવતીની ચાર વર્ષની પુત્રી જેપી રોડ પર આવેલી ખાનગી શાળામાં કેજીમાં અભ્યાસ કરે છે. યુવતીએ તેની ચાર વર્ષની પુત્રીને સ્કુલમાં લેવા-મુકવા માટે ફતેગંજમાં રહેતા સાદીક રાઠોડની ઈકોવેન બંધાવી હતી.
મારુતી ઈકોવેનના વિધર્મી ચાલક સાદીક સવારે યુવતીની પુત્રીને ઘરેથી સમયસર લઈ જતો હતો પરંતું બે દિવસ બાદ સાદીક નિયત સમય કરતા રોજ પાંચથી દસ મિનીટ મોડો છોડવા માટે આવતો હતો.
દરમિયાન તેની સાથે આવતી બાળકીના કપડા પણ અસ્તવ્યસ્ત હોઈ યુવતીને શંકાઓ ગઈ હતી. ગત ૧૫મી તારીખે તેણે માસુમ પુત્રીની પુછપરછ કરી હતી જેમાં તેણે સ્કુલવેનનો ચાલક સાદીક તેની સાથે ઘણીવાર શારીરિક અડપલા કરતો હોવાનું જણાવ્યું હતું. પુત્રીની વાત સાંભળીને ચોંકી ઉઠેલી યુવતીએ આ અંગેની તુરંત પતિને ફોન પર જાણ કરી હતી જેમાં પતિએ શાળામાં જાણ કરવા જણાવ્યું હતું.
યુવતીએ આ અંગેની પુત્રીના ક્લાસટીચર અને પ્રિન્સિપાલને જાણ કરતા તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચન કર્યું હતું જેના પગલે યુવતીએ તેની ચાર વર્ષની પુત્રીના ગુપ્તાંગના ભાગે વારંવાર અડપલા કરતા સ્કુલવેનના ચાલક સાદીક રાઠોડ વિરુધ્ધ જેપીરોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે સાદીક વિરુધ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.