ભગવાનના ધામમાં છેતરપીંડી, અંબાજીમાં ભક્તોએ ચઢાવેલી  113 કીલોની ચાંદી નકલી નીકળી
25, સપ્ટેમ્બર 2021

અંબાજી-

બનાસકાંઠામાં મા અંબાના ધામમાં પૂજાપાના વેપારીઓ ભક્તોને ચુનો ચોપડતા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરીમાં ચઢાવેલી ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની 113 કીલોની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે. જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી કરી નિકાલ કરશે.યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બાધા-આખડી પૂર્ણ કરવા આવે છે. અંબાજી આવતા માઇ ભક્તો આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો, નેત્ર, માતાજીના પગલા ખરીદી માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે. પરંતુ તે નકલી ચાંદીથી બનેલ હોવાનું સામે આવ્યું છે.

ગણતરીમાં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કિલો અને વર્ષ 2021માં ભંડારમાં 113 કિલો ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, અંબાજી મંદિર લોકો બાધા માનતા પુરી કરે છે, ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણો પણ સામેલ છે, જેમાના 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરીને ચાંદી ખરીદ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદી ખરીદનારા ભક્તો લૂંટાય છે, તો બીજી તરફ મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. જેથી યાત્રિકોએ આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદીને ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution