રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો તમારી રાતની ઊંઘ એક કલાક ઓછી થઈ જાય તો બીજા દિવસે અલર્ટનેસ 32 ટકા ઘટી જાય છે. સ્લીપ એપનિયાને સમજતા પહેલાં, આપણે ઊંઘને સમજવી જરૂરી છે. હકીકતમાં આપણી ઊંઘ ત્રણથી ચાર ચક્રમાં પૂરી થાય છે. દરેક ચક્ર લગભગ પાંચ તબક્કાઓમાંથી પસાર થાય છે. ચોથો તબક્કો સૌથી ગાઢ નિદ્રાનો હોય છે. પાંચમો તબક્કો REM અથવા રેપિડ આઈ મૂવમેન્ટનો તબક્કો હોય છે.

આ તે તબક્કો હોય છે, જેમાં આપણે સપના જોઈએ છીએ. ઊંઘના સમયે, આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન ફરતા રહે છે, જેનાથી શરીરની દૈનિક ક્રિયાઓ થાય છે. ઊંઘ દરમિયાન શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે. હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઘટી જાય છે જેનાથી હૃદયને આરામ મળે છે. સ્લીપ એપનિયમાં ઘણી વખત ઊંઘ ઊડી જાય છે. જેનાથી આ તમામ પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, કોવિડ-19ના સમયમાં સ્લીપ એપનિયાની ફરિયાદ વધી શકે છે.

સિંગાપોરના નેશનલ હેલ્થ કેર ગ્રુપ, ઇએનટી નિષ્ણાત, શિરીષ જોહરીના જણાવ્યા પ્રમાણે, સ્લીપ એપનિયા શું છે અને તે કેવી રીતે આપણા શરીરને અસર કરે છે. સ્લીપ એપનિયા એટલે કે ઊંઘ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી. સ્લીપ એપનિયાની સ્થિતિમાં ઘણી વખત ઊંઘ ઉડી જાય છે. ઘણી વખત તો શ્વાસ પણ બંધ થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે- દેશની 13 ટકા વસ્તી ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયાથી પીડિત છે. પુરુષોમાં 19.7% છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો 7.4% છે. સ્લીપ એપનિયાની સ્થિતિમાં એક કલાકમાં ત્રીસ કે તેથી વધુ વખત, શ્વાસની તકલીફ અને ઊંઘમાં વિક્ષેપ સર્જાય છે. આ એક એવી બીમારી છે, જે નિંદ્રાને લગતી વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે.