દિલ્હી-

દેશનાં મોટાં રાજ્યો ગુજરાત, કેરળ અને તમિલનાડુ 2020-21ના ખાદ્ય સુરક્ષા માપદંડોમાં ટોચ પર રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સોમવારે જારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

તેમાં દેશના વિવિધ રાજ્યોને પાંચ માપદંડ જેવા કે ખાદ્ય સુરક્ષા, માનવ સંસાધન અને સંસ્થાકીય આંકડા, ખાદ્ય પરીક્ષણ સુવિધા, તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ ગ્રાહક સશક્તીકરણના આધારે રેન્કિંગ અપાય છે. એફએસએસએઆઈના રિપોર્ટમાં નાના રાજ્યોમાં ગોવા પહેલા સ્થાને છે. ત્યાર પછી મેઘાલય અને મણિપુરનો ક્રમ આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનુક્રમે જમ્મુ-કાશ્મીર, આંદામાન અને નિકોબાર તેમજ દિલ્હીએ પહેલા ત્રણમાં સ્થાન હાંસલ કર્યું છે. એફએસએસઆઈની રચનાને 15 વર્ષ પૂરા થવા નિમિત્તે આરોગ્ય મંત્રીએ આ રિપોર્ટ જારી કર્યો છે. માંડવિયાએ એફએસએસએઆઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, 'આપણે દેશના નાગરિકોના આરોગ્યને નુકસાન પહોંચાડતું ખાદ્યાન્ન પૂરું નહીં પાડવું જોઈએ.

આપણે ખરાબ ગુણવત્તાની ખાદ્ય સામગ્રી વેચનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકીએ છીએ, પરંતુ તે ઉકેલ પૂરતો નથી. આ દિશામાં ઘણું બધું કરવાનું હજુ બારી છે. આ સિવાય પણ અનેક પગલાં લેવાની તાતી જરૂર છે. આગામી દિવસોમાં આપણે આપણા નાગરિકોને સંપૂર્ણ સ્વસ્થ બનાવવાની દિશામાં ઠોસ કામ કરવાનું છે. કોઈ પણ દેશ પોતાના નાગરિકોને સંતુલિત ડાયટ આપીને જ સ્વસ્થ સમાજની રચના કરી શકે, જેના માટે ખાદ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોએ પૂરતા પ્રયાસ કરવા પડશે.' ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2020-21 પ્રમાણે, મોટા રાજ્યોમાં ઓડિશા અને હિમાચલ પ્રદેશના રેન્કિંગમાં પણ ઘણો સુધારો થયો છે. ઓડિશાનું રેન્કિંગ સુધરીને ચાર થઈ ગયું છે, જે 2018-19માં 13 હતું. આ રીતે હિમાચલ પ્રદેશનું રેન્કિંગ દસમા ક્રમેથી છઠ્ઠા ક્રમે આવી ગયું છે. આ ઉપરાંત નાના રાજ્યોમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના રેન્કિંગમાં પણ સુધારો થયો છે.