04, જુલાઈ 2024
1386 |
વડોદરાના તત્કાલીન કલેકટર અને હાલના આરએસી દ્વારા જૂની શરતની સલામીયા, જાત ધર્મદા, વજીફા, હાડીયા, વેચાણીયા, ઘરેણીયા, રણવટીયા, બથામણીયા, રાવણાપટાવત વિગેરે પ્રકરની જમીનોને નવી શરતની ગણવામાં આવી હતી. જેના પગલે છેલ્લા ૯ મહિના ઉપરાંત સમયથી શહેર જિલ્લામાં કરોડો રૂપિયાની જમીનની ફાઈલો અટવાઈ પડી હતી. જે કિસ્સામાં હાલના કલેકટર દ્વારા સરકારનો અભિપ્રાય મેળવવામાં પત્ર લખી રજૂઆત કરાઈ હતી. જે રજૂઆત બાદ સરકાર દ્વારા ઉપરોક્ત તમામ પ્રકારની જમીનો જૂની શરતની ગણવા અભિપ્રાય અપાયો હતો. જેના આધારે ઉપરોક્ત તમામ પ્રકારની ફાઈલ મંજુર કરવામાં આવી છે. ત્યારે તત્કાલીન કલેકટર અને આરએસી દ્વારા અટકાવી દેવામાં આવેલા શહેરના વિકાસને ગતિ આપવા માટે હાલના કલેક્ટર બીજલ શાહની મહેનત રંગ લાવી છે. ત્યારે હવે, નવ મહિનાથી અટવાયેલી કરોડો રૂપિયાની જમીનની ૨૦૦થી વધારે ફાઈલ ક્લિયર થશે.
તત્કાલીન કલેકટર અતુલ ગોર અને આરએસી બી. એસ. પ્રજાપતિ દ્વારા ઉપરોક્ત કિસ્સામાં જમીન જૂની શરતની હોવા છતાં નવી શરતની ગણવામાં આવતી હતી. જેના કારણે છેલ્લા ૯ મહિનાથી શહેરમાં કરોડો રૂપિયાની જમીનની ફાઈલ અટવાઈ પડી હતી. ઉપરોક્ત તમામ કિસ્સામાં જમીન જૂની શરતની હોવાનું સ્પષ્ટ હોવા છતાં ગત વર્ષે ૧૦માં મહિનામાં તત્કાલીન કલેકટર દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. જેના પગલે કરોડો રૂપિયાની જમીનોની ફાઈલો અટવાઈ પડી હતી. જાેકે, હાલના કલેકટર બીજલ શાહ દ્વારા આ પ્રકારના કિસ્સામાં રજૂઆત મળ્યા બાદ સરકારમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.
હાલના કલેકટર બીજલ શાહ દ્વારા રજૂઆત કરી ઉપરોક્ત તમામ કિસ્સામાં જમીન જૂની શરત ગણવી કે નવી તે અંગે અભિપ્રાય મગાયો હતો. જેમાં સરકાર દ્વારા ઉપરોક્ત તમામ કિસ્સામાં જમીનો જૂની શરતની ગણવા અભિપ્રાય આપ્યો છે. જેના પગલે શહેરની કરોડો રૂપિયાની લાખો ચોરસ ફુટ જમીનની નવ મહિનાથી અટવાયેલી ફાઈલ હવે, મંજુર થશે.
કલેકટર બિજલ શાહની મહેનત રંગ લાવી
તત્કાલીન કલેકટર અતુલ ગોર અને આરએસી બી. એસ. પ્રજાપતિ દ્વારા જૂની શરતની જમીનને નવી શરતની ગણવાના કિસ્સામાં કેટલાક અરજદારો હાઇકોર્ટ પહોંચ્યા હતા. જેમાં હાઇકોર્ટે કડક વલણ લીધુ હતું. જે કિસ્સામાં હાલના કલેકટર બીજલ શાહ દ્વારા અંગત રસ લઇ સરકારમાં રજૂઆત કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા નવ મહિનાથી ૨૦૦થી વધારે ફાઈલ અટવાઈ હતી. જે બાબતે બીજલ શાહના પત્ર દ્વારા સરકાર દ્વારા સ્પષ્ટતા કરતા આજરોજ હાઇકોર્ટમાં કલેકટર દ્વારા તમામ ફાઈલ મંજુર કરીને રજૂ કરાઇ હતી.