વડોદરા : એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી બાયોકેમેસ્ટ્રીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે શરુ કરવામાં આવેલી લેબોરેટરીની રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.આ લેબોરેટરી શરુ થયા પછી આગામી દિવસમાં રાજના ૫૦૦ સેમ્પલની ચકાસણી કરવામાં આવશે.સાથો સાથ એમ એસ યુનિમાંથી માત્ર દસ જ મિનિટમાં રેમડેસીવીર ઇન્જેકશનની ખરીદી પણ કરી શકાશે. એમ એસ યુનિવર્સિટીમાં શહેર જીલ્લા તેમજ દેશ વિદેશમાંથી વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.અને હાલની કોરોનાની મહામારીને પગલે યુનિ. સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓના આરટીપીસીઆર થકી કોરોનાનો રીપોર્ટ જાણી શકાય તે માટે આરટીપીસીઆર મશીનો મૂકવામાં આવ્યા હતા.અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા આ ટેસ્ટની ચકાસણી કરવામાં આવતી હતી.પણ યુનિવિર્સિટી દ્વારા ટેસ્ટના રીપોર્ટનું એનાલીસીસ કરવાનું બંધ કરી દેતા પાલિકાએ નોટિસ પાઠવીને યુનિ. સત્તાધિશોને એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવાની તાકીદ કરતા આખરે યુનિ.સત્તાધિશોએ ૧૫ થી ૨૦ લાખનો ખર્ચ કરીને આરટીપીસીઆર ટેસ્ટના રીપોર્ટના એનાલીસીસની કામગીરી શરુ કરી હતી.દરમ્યાન આજે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી બાયોકેમેસ્ટ્રી વિભાગમાં શરુ કરવામાં આવેલી લેબની મુલાકાત લીધી હતી.યુનિ પાસે સંશોધન માટે આર ટી પી સી આર મશીન ઉપલબ્ધ હતા. કોરોનાના ટેસ્ટિંગ માટે જરૂરી એવી અન્ય સુવિધાઓ પાછલાં દિવસોમાં તાત્કાલિક ઉભી કરવામાં આવી હતી. આ લેબ શરુ થતાની સાથે જ આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થનારી આ લેબોરેટરીમાં એકસાથે ૫૦૦ સેમ્પલની ચકાસણી થઇ શકશે.