વડોદરા, તા.૧૨
શહેરના આરાધના સિનેમા પાછળ સરકારી જગ્યામાં થયેલા ગેરેજ, કાચી ઓરડી સહિતના દબાણો નોટિસ આપવા છતાં દૂર નહીં કરાતાં આજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરી-૩ના અધિકારીઓએ પાલિકાની દબાણ ટીમની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડયાં હતાં. આ બે દબાણો પૈકી એક ભાજપના પૂર્વ કોર્પોરેટરનું હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરના આરાધના સિનેમા જૂના ક્વાર્ટર પાસે વડોદરા કસબાના ટીમ નં. ૨૪/૨ના સિટી સર્વે નં.૪ પૈકીના કુલ ૧૦૧૫.૩૬ ચો.મી. સરકારી જગ્યા આવેલી છે. આ જગ્યા પૈકી ૧૫૫.૮૮ ચો.મી. જગ્યા પર પતરાંના શેઠ બનાવી ગેરેજ તેમજ એક કાચી ઓરડી બનાવી તેમાં સેન્ટરિંગનો સામાન મૂકવામાં આવતો હોવાનું જાણવા મળે છે. આ દબાણ ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય બડગુજર અને મુન્નાભાઈ ગેરેજવાળાનું હોવાનું કહેવાય છે.
આ દબાણો દૂર કરવા માટે સિટી સર્વે સુપ્રિ.-૩ની કચેરીના અધિકારી દ્વારા નોટિસ આપી અંદર મૂકેલ માલસામાન ખાલી કરવાની સૂચના આપી હતી. છેલ્લે સોમવારે પણ રૂબરૂ મળીને સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં દબાણો દૂર નહીં કરાતાં આજે સિટી સર્વે સુપ્રિ. મિરલ વાઘેલા તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી ટીમે વીજ કનેકશનો દૂર કરાવ્યા બાદ પાલિકાની દબાણ શાખાની ટીમની મદદથી જેસીબી દ્વારા સરકારી જમીન પર થયેલ ગેરકાયદે દબાણો તોડી પાડી જગ્યા ખૂલ્લી કરાવી હતી.
સયાજી હોસ્પિટલની નવી બિલ્ડિંગ માટે જગ્યા સુપરત કરાઈ
આરાધના સિનેમા પાછળની સરકારી જગ્યા સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડની બની રહેલી નવી બિલ્ડિંગ માટે આપવામાં આવી છે. પરંતુ જગ્યા પર દબાણો હોવાથી જગ્યનો કબજાે સયાજી હોસ્પિટલને સુપરત કરાયો ન હતો. આજે દબાણો દૂર થતાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટે જગ્યાનો કબજાે સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીને સુપરત કર્યો હતો.