આજે સૂર્યગ્રહણ છે. મહાભારત યુદ્ધમાં પણ સૂર્યગ્રહણ થયું હતું. આ ગ્રહણના કારણે અર્જુને જયદ્રથનો વધ કર્યો હતો. જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જ્યારે પાંડવ 12 વર્ષના વનવાસ પર હતાં, ત્યારે એક દિવસ જયદ્રથ તે જંગલમાંથી પસાર થયો, જ્યાં પાંડવો રહેતાં હતાં. તે સમયે આશ્રમમાં દ્રૌપદીને એકલી જોઇને જયદ્રથે તેનું હરણ કરી લીધું હતું. જ્યારે પાંડવોને આ વાતની જાણ થઇ ત્યારે જયદ્રથને બંદી બનાવી લીધો અને ભીમે જયદ્રથના વાળ કાપીને માત્ર પાંચ ચોટલી રાખી હતી.

યુદ્ધમાં દ્રૌણાચાર્યે યુધિષ્ઠિરને બંદી બનાવવા માટે ચક્રવ્યૂહની રચના કરી હતી. આ વ્યૂહના મુખ્યદ્વાર ઉપર જયદ્રથ હતો. યોજના પ્રમાણે થોડાં યોદ્ધા અર્જુનને યુદ્ધ માટે દૂર લઇ ગયાં. અભિમન્યુએ વ્યૂહમાં પ્રવેશ કર્યો. પરંતુ જયદ્રથે યુધિષ્ઠિર, ભીમ અને નકુલ-સહદેવને બહાર જ રોકી દીધાં. ચક્રવ્યૂહમાં ફસાઇને અભિમન્યુની મૃત્યુ થઇ ગઇ હતી.

જ્યારે અર્જુનને જાણ થઇ કે, અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ છે ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે, કાલે હું જયદ્રથનો વધ કરી દઇશ અથવા સ્વયં અગ્નિ સમાધિ લઇ લઇશ. ત્યાર બાદ બીજા દિવસે સંપૂર્ણ કૌરવ સેના જયદ્રથની સુરક્ષામાં જોડાઇ ગઇ હતી. શ્રીકૃષ્ણએ જોયું કે, સૂર્ય અસ્ત થવાનો છે, ત્યારે તેમણે પોતાની માયાથી સૂર્યગ્રહણ કરી દીધું. બધાને થયું કે, સૂર્ય અસ્ત થઇ ગયો છે. આ જોઇને જયદ્રથ અસાવધાન થઇ ગયો. જયદ્રથ સ્વયં અર્જુન સામે આવી ગયો, ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે, તરત જ જયદ્રથનો વધ કરી દો. અર્જુને શ્રીકૃષ્ણની વાત માનીને જયદ્રથનો વધ કરી દીધો.