વડોદરા, તા.૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે ગઈકાલે ધો.૯ અને ૧૦માં સમિતિના ૪ હજાર બાળકોના પ્રવેશની સમસ્યા બાબતે શહેર ભાજપા પ્રમુખની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી. ત્યારે કોર્પોરેશન બાદ હવે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે ચંચુપાત કરવાની શરૂઆત કરી તેવી ચર્ચા ભાજપાવર્તુળોમાં જ શરૂ થઈ છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે વિરોધ કરી મેયર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં બુધવારે ધો.૮માં ઉત્તીર્ણ થયેલા સમિતિના ૪ હજાર જેટલા વિદ્યાર્થીઓને ધો.૯માં પ્રવેશની સમસ્યા કે આ વિદ્યાર્થીઓને અન્ય કોઈ ટેકનિકલ વિષયમાં રસ હોય તો ત્યાં પ્રવેશ મળી શકે તે માટે એક ડેટા તૈયાર કરવા માટે અને સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિત તમામ સભ્યો અને સમિતિના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેર ભાજપાના એક મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે શું શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહને કોર્પોરેશનમાં ફાવટ નહીં આવતાં કોર્પોરેશનના વહીવટ બાદ શું હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ ચંચુપાત કરવાની શરૂઆત કરી છે? તેવી ચર્ચાઓ ભાજપાવર્તુળોમાં શરૂ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસે આવેદનપત્ર આપીને બાળકોને ધો.૯ અને ૧૦માં પ્રવેશની સમસ્યા બાબતે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોઈ મિટિંગ કે વિરોધ પક્ષ કોંગ્રેસ સાથે ચર્ચા કરી નથી. ત્યારે ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ સમિતિની સત્તાવાર બેઠક બોલાવે અને મેયર, મ્યુનિ. કમિશનર, કોંગ્રેસ પક્ષના નેતાને બોલાવતા નથી. શું તેમની પાસે એવી કઈ સત્તા છે કે તેઓ કોઈ નીતિવિષયક નિર્ણય લઈ શકે? રાજકીય પક્ષના પ્રમુખે કોર્પોરેશનના કયા હોદ્દાની રૂએ સત્તાવાર મિટિંગ લીધી? તેમ કહ્યું હતું.

સમિતિની શાળામાં ધો.૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવા કોંગ્રેસની માગ

વડોદરા શહેર કોંગ્રેસે મેયર, મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાંથી આગામી ગણતરીના દિવસોમાં ધો.૯ અને ૧૦ના ચાર હજાર બાળકોના વાલીઓ પ્રવેશની માગ સાથે ઊભા રહેશે અને પ્રવેશની આ સમસ્યા સર્જાશે. આર્થિક રીતે ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ ઊંચું અને સાથે વર્ગોની સંખ્યા પણ મર્યાદિત હોવાથી વાલીઓ પોતાના બાળકો ધો.૭ પછી અભ્યાસ છોડાવી દે છે.વરસોથી માધ્યમિક વિભાગની શાળાની આવશ્યકતા અને તેની જરૂરિયાત પર ભાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક યા અન્ય કારણોસર આ મુદ્દે ભાજપાના શાસકો નિર્ણય લઈ શકતા નથી. આ સંજાેગોમાં પ્રવેશની સમસ્યાના ઉકેલ માટે ધો.૯ અને ૧૦ની શાળા શરૂ કરવી પડશે. જાે તેમ કરવામાં નહીં આવે તો વાલીઓને નાછૂટકે ઊંચી ફી વસૂલતી ખાનગી શાળાનો આશરો લેવો પડશે, અન્યથા આર્થિક રીતે નબળા વાલીઓના મોટી સંખ્યામાં બાળકો અભ્યાસથી વંચિત રહી જવાની શક્યતા નકારી શકાતી નથી. સુરત-અમદાવાદમાં વરસોથી માધ્યમિક શાળાઓ ચાલી રહી છે. અમદાવાદ અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વરસોથી ધો.૮ બાદ ધો.૯ અને ૧૦ના વર્ગોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ બાબતે અમદાવાદ અને સુરતની તુલનામાં પાછળ છે. શહેરમાં પણ ધો.૯ અને ૧૦ના વર્ગોની શાળાઓ વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.