દિલ્હી-

ભારતના પાટનગર દિલ્હીથી ચીનના પાટનગર બેજિંગનું ભૌગોલિક અંતર ૩,૭૮૬ કિલોમીટર અને ચીનના ઔદ્યોગિક શહેર શાંઘાઈનું અંતર ૪,૨૪૧ કિલોમીટર છે. વળી, અગ્નિ-૫ મિસાઈલનું પરિવહન તેમજ લોન્ચિંગ એટલા સરળ છે કે તેને આસાનીથી સરહદના કોઈ પણ વિસ્તારમાં તૈનાત કરીને દાગી શકાય છે. આ મિસાઈલ પહેલા હવામાં ઊંચે ચડે અને પછી પ્રચંડ વેગે નીચે ટાર્ગેટ તરફ આવતુ જાય એવો તેનો પ્રોગ્રામ ઘડાયેલો છે. જ્યારે આ મિસાઈલ આકાશમાંથી ફરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેની સપાટી પર ૪,૦૦૦ ડીગ્રી જેટલું તાપમાન નોંધાય છે. એ તાપમાન વખતે મિસાઈલને નુકસાન ન થાય એટલા માટે ખાસ પ્રકારનું સ્વદેશી પડ બનાવાયું છે. જેના કારણે મિસાઈલની અંદરનું તાપમાન ૫૦ ડીગ્રી જાળવી શકાય છે.

ભારત તેના સૌથી ઘાતક અગ્નિ-૫ મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. અગ્નિ-૫ એ પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ મિસાઈલ છે. વળી હવે ભારત એવું પરિક્ષણ કરવા જઈ રહ્યું છે, જેમાં એકથી વધારે શસ્ત્રોના પ્રહારનો પ્રયોગ કરવાનો છે. આ પરિક્ષણ ન થાય એટલા માટે ચીન ઘણા દિવસથી આંતરરાષ્ટ્રીય મંચ પર કાગારોળ મચાવી રહ્યું છે. ચીને છેક સંયુક્ત રાષ્ટ્રસંઘ સુધી આ મિસાઈલનું પરીક્ષણ રોકવા માટે ફરિયાદ કરી છે. એ વચ્ચે પણ ભારતે ૨૩ સપ્ટેમ્બરે મિસાઈલ પરીક્ષણ કરવાનું નિર્ધારિત કરી લીધું છે. જાે કોઈ છેલ્લી ઘડીના ફેરફારો નહીં થાય તો ઓડિશાના કાંઠેથી અગ્નિ-૫નું અંતિમ અને મહત્વપૂર્ણ પરીક્ષણ થશે. આ પરિક્ષણ સફળ થાય તો પછી ભારત અગ્નિ-૫નું જથ્થાબંધ ઉત્પાદન કરી સૈન્યમાં શામેલ કરશે. ભારત જે પરિક્ષણ કરવાનું છે એ ટેકનિકલ ભાષામાં મલ્ટિપલ ઈન્ડિપેન્ડેન્ટ રિએન્ટ્રી વ્હિકલ (એમઆઈઆરવી) તરીકે ઓળખાય છે. આ પ્રકારનું પરીક્ષણ સફળ થશે એટલે ભારતીય સંરક્ષણ ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાશે. અગ્નિ-૫ હોવાને કારણે કોઈ પણ દેશ ભારત પર હુમલો કરતા પહેલા વિચાર કરે. માટે અગ્નિ-૫ને 'શાંતિનું શસ્ત્ર (વેપન્સ ઓફ પિસ)' પણ કહેવામાં આવે છે. એ મિસાઈલની કેટલીક વિશેષતાઓ અહીં રજૂ કરી છે. હરીફરી શકતા (મોબાઈલ) લોન્ચિંગ પ્લેટફોર્મને કારણે આ મિસાઈલની રેન્જ વધી જાય છે. પ્લેટફોર્મ જ્યાં ગોઠવ્યું હોય ત્યાંથી તેની ૫ હજાર કિલોમીટરની રેન્જ ગણાય. અગ્નિ-૫ની રેન્જમાં આખુ ચીન, રશિયાનો કેટલોક ભાગ, યુરોપના દેશો, આફ્રિકા ખંડના અનેક દેશો, જાપાન, ઈન્ડોનેશિયા વગેરે સહિતો ભાગ આવી જાય છે.