બનાસકાંઠા - દાહોદનું પાણી પીવાલાયક નહિ હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જાન્યુઆરી 2026  |   2178

ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો અગાઉ નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના આહેવાલના આંકડા રજૂ કરીને ગુજરાતના કયા જિલ્લાનું પાણી કેટલું પીવાલાયક છે તે બતાવ્યું છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના અહેવાલના આંકડા અનુસાર, જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે જ્યારે સમગ્ર દેશમાં ૭૬% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના અહેવાલ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવા લાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. એટલું જ નહીં, આ અહેવાલ મુજબ દાહોદ અને બનાસકાંઠામાં ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકા માં ૧૭.૨% ઘરોમાં પીવા લાયક પાણી મળે છે. જ્યારે રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના લોકોને ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. અહેવાલ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦% થી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે.

જિલ્લાનું નામ ટકાવારી

અમદાવાદ ૪૬.૧%

બનાસકાંઠા ૦.૦%

ભરૂચ ૮.૫%

ભાવનગર ૧૪.૭%

દાહોદ ૦.૦%

ડાંગ ૪૦.૧%

દેવભૂમિ દ્વારકા ૧૭.૨%

ગાંધીનગર ૩૧.૯%

ગીર સોમનાથ ૧૧.૭%

મહિસાગર ૧૬.૦%

મોરબી ૪૦.૬%

નર્મદા ૧૫.૪%

નવસારી ૪૭.૮%

પંચમહાલ ૩૯.૨%

રાજકોટ ૧૬.૨%

સાબરકાંઠા ૧૭.૪%

સુરત ૪૭.૨%

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution