સુરત-

સુરતની ડીઆઇ વિંગના અધિકારીઓએ વલસાડ, વાપી, સેલવાસ અને સંઘ પ્રદેશમાં પ્લાસ્ટિક, પેપર, મેટલ તથા લાકડાના ભંગાર સાથે સંકળાયેલા ૧૦ વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં વેપારીઓ ભંગારની ખરીદી રોકડમાં કરતા હતા.

ઉપરાંત પેપર અને પ્લાસ્ટિકના મોટા વિક્રેતાઓને પણ ભંગારનો સામાન સપ્લાય કરતા હોવાનું બેંકના વ્યવહારો પરથી બહાર આવ્યું છે. કેટલાંક સ્થળો પરથી ખરીદ અને વેચાણના આંકડામાં પણ મોટા પાયે તફાવત મળી આવ્યા છે. ડીઆઇ વિંગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા ચોપડામાં લખેલા સ્ટોક કરતાં ઓછો સ્ટોક પણ મળી આવ્યો હતો, જેથી આઇટીની ડીઆઇ વિંગે જરુરી દસ્તાવેજ કબજે કર્યા છે.

આઇટીની ડીઆઇ વિંગે કરેલી તપાસમાં બોગસ બિલિંગનું રેકેટ મળી આવ્યું છે. ભંગારના કેટલાક વેપારીઓ દ્વારા ત્રાહિત વ્યકતિના નામના બિલ બનાવીને તેઓ પાસેથી કમિશન પેટે પાંચ ટકાની વસૂલાત કરી લેતા હતા. કાગળ પર વેચાણ દર્શાવાતું હતુ. હકીકતમાં તે વેચાણ કર્યા વિના બોગસ બિલ બનાવીને પાંચ ટકાની આઇટીસીનો લાભ લેતા હતા.